દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલમાં સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રક્તની અછતનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. તહેવારોમાં રક્તદાન પ્રવૃત્તિનું પ્રમાણ ઘટતાં બ્લડનો સ્ટોક ઓછો થવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખાસ તો નિયમિત રક્તની જરૂરિયાત ધરાવતા થેલેસેમિયા પીડિત બાળકો સહિતના દર્દીઓની મુશ્કેલી વધી છે. હાલ સ્થિતિ એ છે કે પૈસા આપવા છતાં લોહી મળવું મુશ્કેલ બન્યું છે. સિવિલમાં પાંચ દિવસમાં ૧૫૦ સર્જરી સહિત કુલ ૪૪૦ નાના-મોટા ઓપરેશન થયા, પણ સ્વજનો લોહી જમા કરાવે તો જ રક્ત આપવાની માનવતાવિહીન નીતિ સામે આક્રોશ છવાયો છે.
દિવાળીના પાંચ દિવસમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૫૦ સર્જરી સહિત કુલ ૪૪૦ ઓપરેશનની કામગીરી નોંધાઈ હતી. ઓર્થોપેડિક વિભાગમાં ૩૩૯ અને મેડિસિન વિભાગમાં ૩૬૬ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી. એક તરફ તહેવારોમાં પણ હોસ્પિટલમાં સર્જરી અને સારવારની કામગીરી ચાલુ રહી હતી, ત્યારે બીજી તરફ રક્તની અછતનો પ્રશ્ન આરોગ્યતંત્ર સામે પડકારરૂપ બન્યો હતો. આરએમઓ ડો.હર્ષદ દુસરાએ જણાવ્યું કે, દિવાળી અને વેકેશનના સમયગાળા દરમિયાન રક્તદાન શિબિરોનું પ્રમાણ ઘટતું હોવાથી બ્લડની અછત વર્તાતી હોય છે. જો કે, થેલેસેમિયા પીડિતો સહિત અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મળી રહે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવે છે.
બીજી તરફ સિવિલ હોસ્પિટલની રક્ત વિતરણ વ્યવસ્થા સામે સમાજસેવક વિજય પુનવાણીએ સવાલ ઉઠાવ્યો છે. તેમના આક્ષેપ મુજબ, અહીં દર્દીના સ્વજનોએ રક્ત જમા કરાવ્યું હોય તો જ જરૂરિયાત મુજબ લોહી મળી શકે છે. આ સ્થિતિમાં બહારગામથી આવતા દર્દીઓ વિકટ સ્થિતિમાં મુકાય છે. ખાસ કરીને ૫૫૦ જેટલા થેલેસેમિયા પીડિત બાળકોને નિયમિત અંતરે રક્ત ચઢાવવાની જરૂરિયાત રહે છે. પરંતુ હાલ રક્તનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેમના પરિવારજનો અહીં-તહીં રઝળપાટ કરતા જોવા મળે છે. હાલ દિવાળી પર્વે નિયમિત રક્તદાતાઓને શોધવા પણ મુશ્કેલ બની ગયું છે.
