યુવક પર લોખંડના પાઇપ અને ગુપ્તીથી જીવલેણ હુમલા

ગઢડા તાલુકાના માલપરા ગામે જૂની અદાવત અને અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખીને ૯ ઇસમોએ ઉશ્કેરાઈને એકસંપ થઈ ઘરમાં તોડફોડ કરી ત્રાસ વર્તાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે ઢસા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, માલપરા ગામના ધાર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બાબુભાઈ પાટડીયા પોતાના કૌટુંબિક કાકાના ઘરે કુળદેવી માતાજીના મઢે દર્શન કરવા ગયા હતા. તે સમયે રણછોડ રેવાભાઈ જોગરાણા, લાખા, વિજય, કાના, ભરત, કરણ, ભીમા અને અન્ય શખ્સો લોખંડના પાઇપ, ગુપ્તી અને લાકડી જેવા મારક હથિયારો સાથે સજ્જ થઈને આવી પહોંચ્યા હતા. અગાઉની અદાવતનું વેર રાખી તમામે દિનેશભાઈના કાકાના ઘર અને દુકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું.

આ હુમલા દરમિયાન રણછોડએ દિનેશભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે લોખંડના પાઇપનો જીવલેણ ઘા ઝીંક્યો હતો, જ્યારે કાનાએ ગુપ્તીથી હુમલો કર્યો હતો. અન્ય શખ્સે પણ આડેધડ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. વચ્ચે બચાવવા પડેલ મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હતો.હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દિનેશભાઈને બેભાન અવસ્થામાં સારવાર માટે પ્રથમ ઢસા અને બાદમાં વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ૯ જેટલા શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *