ભાગવા જતાં હત્યાના આરોપીની હોસ્પિટલના ધાબા પરથી છલાંગ

ભાવનગરની સર-ટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા હત્યાના એક આરોપીએ પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો ફિલ્મી ઢબે પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલના ધાબા પરથી પડતું મૂકી દેતા ગંભીર ઇજા થ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર બનાવની વિગતો મુજબ પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામનો ૨૩ વર્ષીય ભયલુ ભાણાભાઈ દેસાઈ જેસર પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં ઝડપાયો હતો.અગાઉ હથિયાર રિકવરી સમયે તેણે જાતે જ પેટમાં છરીના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને ઓપરેશન બાદ સર-ટી હોસ્પિટલના બીજા માળે દાખલ કરાયો હતો.

ગુરુવારે બપોરે આશરે સાડા બાર વાગ્યાના સુમારે આરોપીની દેખરેખમાં જેસર પોલીસના કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ બરબસીયા અને ભાવેશભાઈ ચાવડા તૈનાત હતા. આ દરમિયાન આરોપી ભયલુભાઈએ બાથરૃમ જવાનું બહાનું કાઢયું હતું. કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ તેને સાથે લઈ જઈ રહ્યા હતા, ત્યારે લોબીમાં આવતા ધાબા તરફના દાદરા પર ભયલું એ અચાનક દોટ મૂકી હતી.પોલીસે પીછો કરતા આરોપીએ ધાબાનો દરવાજો જોરથી બંધ કરી દેતા કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈના જમણા હાથની આંગળી દરવાજામાં આવી જતા તેમને ઈજા પહોંચી હતી.
તેમ છતાં હિંમત દાખવી કોન્સ્ટેબલે દરવાજો ખોલ્યો, પરંતુ તે પહેલા જ સજાની બીકે આરોપીએ ધાબા પરથી સીધો નીચે ઠેકડો મારી દીધો હતો.નીચે પટકાતા આરોપીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે મને નાસી જવા દો તેવું રટણ કરતો જોવા મળ્યો હતો. પોલીસે હાજર લોકોની મદદથી તેને તાત્કાલિક ફરી સારવારમાં ખસેડયો હતો. આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરજમાં રૃકાવટ અને પોલીસ જાપ્તામાંથી ભાગવાના પ્રયાસ બદલ બી.એન.એસ. કલમ ૨૨૧ અને ૨૬૨ હેઠળ વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *