રાજકોટ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં ચાલુ વર્ષે પણ અકસ્માતો અને આરોગ્યલક્ષી ઇમરજન્સીના બનાવોમાં વધારો થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પર ભાર વધ્યો હતો. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ ૨૮૧ કેસ નોંધાતા હોય છે, તેની સામે દિવાળીના દિવસે ૩૦૦, નવા વર્ષના દિવસે ૩૪૨ અને ભાઈબીજના દિવસે ૩૨૨ કેસ નોંધાયા હતા, જે સામાન્ય સરેરાશ કરતાં ૧૪.૫૩ ટકા વધુ છે.
દિવાળીના દિવસે ૮ નવેમ્બરે સામાન્ય સરેરાશ કરતાં ૬.૯૨ ટકા વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ૧૦ નવેમ્બરે નવા વર્ષના દિવસે આ વધારો ૨૧.૮૯ ટકા સુધી પહોંચ્યો હતો. ૧૧ નવેમ્બરે ભાઈબીજના દિવસે પણ સામાન્ય સરેરાશ કરતાં ૧૪.૭૭ ટકા વધુ કેસ નોંધાયા હતા, એમ જણાવીને રાજકોટ જિલ્લા હેડ જયેશ કારેણાએ ઉમેર્યું કે, દીપાવલિ તહેવારો દરમિયાન સૌથી ચિંતાજનક બાબત માર્ગ અકસ્માત અને અન્ય ઇજાના કેસોમાં થયેલો વધારો છે. સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતના સરેરાશ ૩૯ કેસ નોંધાય છે, જેની સામે દિવાળીના દિવસે ૫૩ કેસ, નવા વર્ષના દિવસે ૬૯ કેસ અને ભાઈબીજના દિવસે ૫૨ કેસ નોંધાયા હતા. નવા વર્ષના દિવસે વાહન અકસ્માતના કેસોમાં સામાન્ય સરેરાશ કરતાં ૭૮.૨૩ ટકાનો વધારો નોંધાયો હતો.
બીજી તરફ, વાહન સિવાયની ઇજાઓના કેસોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોના ૩૫ કેસની સરખામણીએ દિવાળીના દિવસે ૬૨, નવા વર્ષના દિવસે ૫૪ અને ભાઈબીજના દિવસે ૪૩ કેસ નોંધાયા હતા. દિવાળીના દિવસે બિનવાહન અકસ્માતની ઇજાઓમાં ૭૭.૮૭ ટકાનો વધારો નોંધાયો હતો. ઇમરજન્સી સેવાઓમાં અજાણી તકલીફ સાથે હોસ્પિટલ પહોંચતા દર્દીઓની સંખ્યા પણ વધી હતી. સામાન્ય દિવસોમાં આવા ૩૫ કેસની સામે દિવાળીના દિવસે ૪૬, નવા વર્ષના દિવસે ૩૮ અને ભાઈબીજના દિવસે ૫૨ કેસ નોંધાયા હતા. ભાઈબીજના દિવસે આ શ્રેણીમાં ૫૦.૪૧ ટકાનો વધારો નોંધાયો હતો. પેટના દુખાવાના કેસોમાં પણ નવા વર્ષના દિવસે ૩૬ અને ભાઈબીજના દિવસે ૩૫ દર્દીઓને ઇમરજન્સી સેવા આપવી પડી હતી. જ્યારે સામાન્ય દિવસોમાં આ પ્રકારના સરેરાશ ૨૮ કેસ નોંધાય છે. આ ઉપરાંત ઊંચા તાવના કેસ નવા વર્ષના દિવસે સામાન્ય સરેરાશ કરતાં ૭૫ ટકા વધ્યા હતા. ઝેરી દવા કે અન્ય ઝેરી પદાર્થના સેવનના કેસ પણ તહેવારો દરમિયાન નોંધાયા હતા.
