એસઆઈટીને તપાસ કઈ રીતે કરવી તેના દિશાનિર્દેશ કોર્ટ આપી શકે નહિ તેમ બોમ્બે હાઈકોર્ટે થાણેમાં ઉદ્ધવ શિવસેનાના નેતા પ્રદીપ પૂર્ણેકરની હત્યાના કેસમાં એસઆઈટીને આદેશો આપવાની માંગ કરતી એક અરજી સંદર્ભમાં જણાવ્યું હતું.
મૃતક પ્રદીપ પૂર્ણેકરના પરિવારના સભ્યો અને મૂળ ફરિયાદી મંદાર ઘોડકેએે હત્યાની સ્વતંત્ર તપાસની માંગણી કરવા માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે વર્તમાન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સાચા રાજકીય માસ્ટરમાઇન્ડ્સને બચાવી રહી છે.
મૃતકના પરિવારજનોએ દલીલ કરી હતી કે તપાસનો હાલનો માર્ગ ન્યાયના તેમના હેતુને નિષ્ફળ બનાવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે એસઆઈટી તેમના દ્વારા પૂરા પાડવામાં આવેલા મહત્વપૂર્ણ પુરાવાઓને અવગણી રહી છે, જે કથિત રીતે ધરપકડ કરાયેલા શંકાસ્પદો સાથે સાચા કાવતરાખોરને દર્શાવે છે. તપાસ ટ્રાન્સફર થવી જોઈએ. અમે હાલમાં ચાલી રહેલી તપાસથી સંતુષ્ટ નથી,એમ અરજદારના વકીલે દલીલ કરી હતી.
બેન્ચે આ વિનંતીઓને નિશ્ચિતપણે નકારી કાઢી, વકીલને તેની મર્યાદાઓની યાદ અપાવી હતી.
ખાસ સરકારી વકીલ રાજીવ ચવ્હાણે એસઆઈટીની ગતિનો બચાવ કર્યો હતો અને કોર્ટને માહિતી આપી કે ૨૯ સપ્ટેમ્બરના રોજ થયેલી હત્યાના ૧૦ દિવસની અંદર પાંચ ધરપકડ કરવામાં આવી હતી.
