ઓટોનોમસ કૉલેજોને થયેલાં અનુભવો પરથી મુંબઈ યુનિ.એ પાઠ લઈ નિયમો હળવા કર્યા

રાષ્ટ્રીય  શિક્ષણ નીતિ (એનઈપી) હેઠળ ચાર વર્ષના અંડરગ્રેજ્યુએશન કોર્સના અમલીકરણમાં મૂકવામાં આવેલાં નિયંત્રણો દૂર કરવાની તૈયારી મુંબઈ યુનિવર્સિટી અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ નિર્ણયનો લાભ હાલમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે, જેઓ એપ્રિલ-મે ૨૦૨૭માં ચોથા વર્ષમાં પ્રવેશ મેળવશે. આ માટે કૉલેજોમાં સંબંધિત વિષયનો પોસ્ટગ્રેજ્યુએટ (અનુસ્નાતક) વિભાગ હોવાની ફરજિયાત શરત દૂર કરવામાં આવશે. અગાઉ આ શરતને કારણે સ્વાયત્ત (ઓટોનોમસ) કૉલેજોના અનેક અભ્યાસક્રમોમાં ચોથું વર્ષ શરૃ કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

આ  ઉપરાંત, પોસ્ટ ગ્રેજ્યુએશનની હાલની પ્રવેશક્ષમતા અનુસાર જ ચોથા વર્ષમાં પ્રવેશ આપવાની મર્યાદા પણ દૂર કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ ત્રણ વર્ષનો યુજી કોર્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પો મળશે. તેમાં ચોથા વર્ષમાં ઓનર્સ, રિસર્ચ વિથ ઓનર્સ અને અનુસ્નાતક (માસ્ટર્સ) કોર્સનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની  માગણીને ધ્યાનમાં રાખીને કયા વિકલ્પો ઉપલબ્ધ કરાવવા તે કૉલેજો નક્કી કરી શકશે. આ સમગ્ર પ્રક્રિયાના અમલીકરણ અંગે યુનિવર્સિટી ટૂંક સમયમાં વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરે તેવી અપેક્ષા છે.

ઓટોનોમસ કૉલેજોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી ચોથા વર્ષનો અભ્યાસક્રમ શરૃ થઈ ગયો છે, જ્યારે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન અને રાજ્યની અન્ય કૉલેજોમાં આગામી શૈક્ષણિક વર્ષથી તેનો અમલ કરવામાં આવશે. આ સાથે અભ્યાસક્રમની રચનામાં પણ ફેરફાર થશે. ચાલુ વર્ષે કૉલેજોને માસ્ટર્સના પ્રથમ વર્ષના અભ્યાસક્રમ મુજબ ભણાવવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ આગામી વર્ષે ચોથા વર્ષનો અભ્યાસક્રમ મુખ્ય વિષયો અને ઉદ્યોગલક્ષી વિશેષ અભ્યાસ પર વધુ કેન્દ્રિત રહેશે. ઉદાહરણ તરીકે, બી.કોમ. એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ (બીએએફ) ચલાવતી કૉલેજો હવે ચોથા વર્ષમાં પણ એ જ અભ્યાસક્રમ ચાલુ રાખી શકશે. પોસ્ટગ્રેજ્યુએશન વિભાગ ન હોવાના કારણે એકાઉન્ટિંગ અથવા ફાઇનાન્સમાંથી કોઈ એક વિષય પસંદ કરવાની ફરજ રહેશે નહીં.

જોકે, રિસર્ચ ઓનર્સનો વિકલ્પ માત્ર એવી કોલેજોમાં જ ઉપલબ્ધ રહેશે, જ્યાં સંશોધન માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે તેવા પૂરતી સંખ્યામાં પાત્રતા ધરાવતા પ્રાધ્યાપકો ઉપલબ્ધ હોય. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન અનેક સ્વાયત્ત કૉલેજોને ચોથા વર્ષના અભ્યાસક્રમોના અમલીકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને કારણે પ્રવેશ પ્રક્રિયાના આયોજનમાં વિક્ષેપ પડયો હતો અને કેટલાક વિદ્યાર્થીઓ ચોથા વર્ષના ઓનર્સ કોર્સમાં પ્રવેશ મેળવી શક્યા નહોતા. આથી કૉલેજોના આચાર્યોેએ આગામી પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક આયોજન માટે વહેલી તકે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની માગ કરી છે. કેટલીક કૉલેજોમાં સાઈકોલોજી (માનસશાસ્ત્ર) અને વિજ્ઞાાનની અમુક શાખાઓના ચોથા વર્ષના અભ્યાસક્રમો માટે સારો પ્રતિસાદ જોવા મળ્યો છે, જ્યારે કુલ વિદ્યાર્થી સંખ્યાની સરખામણીએ બી.કોમ.ના ચોથા વર્ષમાં પ્રવેશ માટેનો ઉત્સાહ પ્રમાણમાં ઓછો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *