આઈ આઈટી-બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેએ ૧૮ સપ્ટેમ્બરે કરેલી આત્મહત્યા બાદ સંસ્થાએ વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ગેરરીતિ અને પરીક્ષામાં નકલ કરવાની વૃત્તિ પાછળનાં કારણો જાણવા માટે એક સર્વે હાથ ધર્યો છે. આઈઆઈટી-બોમ્બેની અંડરગ્રેજ્યુએટ એકેડેમિક કાઉન્સિલ દ્વારા આ સર્વે કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ પર અભ્યાસનું વધતું દબાણ અને તેમની માનસિક સ્થિતિ અંગે ચિંતા વચ્ચે આ પહેલ કરવામાં આવી છે. સર્વેના માધ્યમથી વિદ્યાર્થીઓ નકલ (કૉપી) પ્રત્યે કેવો અભિગમ ધરાવે છે અને કયા સજોેગોમાં તેઓ આવી ગેરરીતિઓ તરફ વળે છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવશે.
સર્વેમા ં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું છે કે જો પરીક્ષામાં કોપી કર્યા વિના પાસ થઈ શકે તેમ ન હોય તો શું તેઓ નકલ કરવાનું પસંદ કરશે? સારા માર્ક મેળવવાનું દબાણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિને યોગ્ય ઠેરવવા પ્રેરે છે કે કેમ તે અંગે પણ પ્રશ્નો સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કડક સજાના ભયને કારણે વિદ્યાર્થીઓ પોતાની ભૂલ સ્વીકારતા કે જરૃર પડયે મદદ માગતા અચકાય છે કે કેમ તે જાણવાનો પણ પ્રયાસ કરાયો છે. આ પ્રશ્નોના માધ્યમથી શૈક્ષણિક અપેક્ષાઓ, પરીક્ષાના દબાણ, શિસ્તભંગ બદલ મળતી સજા અને વિદ્યાર્થીઓની માનસિકતા વચ્ચેના સંબંધને સમજવાનો હેતુ છે.
સાહિલ વાકોડેએ ૧૮ સપ્ટેમ્બરે પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં પકડાયા બાદ થોડા જ કલાકોમાં આત્મહત્યાનું પગલું ભર્યું હતું. સંસ્થાના જણાવ્યાનુસાર, તેણે પ્રશ્નપત્રના જવાબ મેળવવા માટે તેને ચેટજીપીટી પર અપલોડ કર્યું હતું. જોકે, આઈઆઈટી-બોમ્બેએ સ્પષ્ટતા કરી હતી કે તેની સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નહોતી અને તેને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. બીજી તરફ, સાહિલના માતા-પિતાએ સંસ્થામાં તેની સાથે જાતિઆધારિત ભેદભાવ અને માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે તેમણે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા અને આઈઆઈટી-બોમ્બેના ડિરેક્ટર શિરીષ કેદાર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ કેસમાં પ્રોફેસર દુલ્લા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
