રાજ્યભરમાં નકલી ચીજવસ્તુઓની બોલબાલા વચ્ચે રાજકોટમાં નકલી તમાકું અને મુખવાસ બનાવતું કારખાનું ઝડપાયું છે. છેલ્લા પાંચેક વર્ષથી આ સ્થળે નકલી તમાકું અને મુખવાસ બનાવી તેનું સૌરાષ્ટ્રભરમાં વેચાણ કરાતું હતું. છતાં સંબંધીત તંત્રને તેની ગંધ પણ નહીં આવતા પાંચેક વર્ષ બાદ કારખાનું પકડાયું હતું. અત્યાર સુધીમાં અનેક બંધાણીઓ હલકી ગુણવત્તાની નકલી તમાકુંનું સેવન કરી ચુક્યા છે.
લાતી પ્લોટ શેરી નં.૧૧માં હિરેન પરફ્યુમરી વર્ક્સ નામના કારખાનામાં હિરેન કાન્તીલાલ સોનેજી (ઉ.વ.૫૧, રહે. આશાપુરા રોડ) અને તેનો ભાઇ રાજુ (ઉ.વ.૪૯, રહે. રાણીંગા વાડીની સામે, દ્વારકા દર્શન એપાર્ટમેન્ટ) નકલી તમાકુંનું ઉત્પાદન અને વેંચાણ કરતા હોવાની માહિતી મળતાં એસઓજીએ દરોડો પાડયો હતો.
એસઓજીના પીઆઇ એન.બી.ચૌધરીની તપાસમાં એવું ખુલ્યું હતું કે, સોનેજી બંધુઓના બાપ-દાદાઓ આ સ્થળે વર્ષોથી પાન-મસાલાનું મટીરીયલ અને અગરબત્તી બનાવતા હતા. સોનેજી બંધુએ છેલ્લા પાંચેક વર્ષથી આ વસ્તુઓનું ઉત્પાદન ઓછું કરી નકલી તમાકું બનાવવાનું શરૂ કર્યું હતું.
કોરોના કાળમાં લોકડાઉન વખતે તમાકુંની તિવ્ર અછત સર્જાઇ હતી. તે વખતે ધીરે-ધીરે થોડું-થોડું ઉત્પાદન શરૂ કર્યું હતું. માંગ વધતાં વધુ ઉત્પાદન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્રભરમાં નકલી તમાકું સપ્લાય કરવા લાગ્યા હતા. નકલી તમાકુંમાં અલગ-અલગ પ્રકારના પરફ્યુમ, મેન્થોલ અને સિલ્વર વરખ વગેરેનો ઉપયોગ કરતા હતા.
કોઇપણ જાણીતી બ્રાન્ડની તમાકુંનું ગ્રાહકોની માગણી મુજબ ડુપ્લીકેશન કરી આપતા હતા. પોતે જ ડબ્બાઓ કે પ્લાસ્ટિકની બેગમાં તમાકું પેક કરતા હતા. કોઇ છુટ્ટક તમાકું લેવા આવે તો તેને આપતા પણ હતા. જેના પરથી સ્પષ્ટ છે કે, સૌરાષ્ટ્રભરના બંધાણીઓએ અત્યાર સુધીમાં આ સ્થળેથી સપ્લાય થયેલી હલકી ગુણવત્તાની નકલી તમાકુંનું સેવન કર્યું હતું.
એસઓજીએ તમામ વસ્તુના નમુના લેવડાવી તેને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જ્યાંથી રીપોર્ટ આવ્યા બાદ વિધિવત ગુનો નોંધાશે. હાલ જાણવાજોગ નોંધ કરી તપાસ જારી રાખવામાં આવી છે.
