7 બાંગ્લાદેશી ખેલાડીઓ IPLના મિની ઓક્શનમાં ભાગ લે તેવી શક્યતા

ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટ સંબંધોમાં જામેલો બરફ હવે ધીમે-ધીમે પીગળતો જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આઈપીએલ (IPL) 2027ના મિની ઓક્શનની પ્રક્રિયામાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને પણ સામેલ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ સકારાત્મક પગલા બાદ બાંગ્લાદેશના કુલ 7 ક્રિકેટરોએ આગામી 16 ડિસેમ્બરે યોજાનાર મિની ઓક્શન માટે પોતાના નામ રજિસ્ટર કરાવવાનું નક્કી કર્યું છે.

આ યાદીમાં સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહમાનનું નામ પણ સામેલ છે, જેમને પાછલી સિઝન પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, 16 ડિસેમ્બરે યોજાનારા IPL 2027 મિની ઓક્શનમાં નીચે મુજબના 7 બાંગ્લાદેશી ખેલાડીઓ પર બોલી લાગશે:

  • મુસ્તાફિઝુર રહમાન
  • નાહિદ રાણા
  • રિશાદ હુસૈન
  • હસન મહમૂદ
  • તૌહીદ હૃદોય
  • તસ્કીન અહેમદ
  • શોરિફુલ ઈસ્લામ

મુસ્તાફિઝુર રહમાનનું આઈપીએલમાંથી બહાર થવું અને ફરી વાપસી કરવી એ ઘટનાક્રમ ભારે ચર્ચાસ્પદ રહ્યો છે. ડિસેમ્બર 2025માં યોજાયેલી હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ મુસ્તાફિઝુર રહમાનને ₹9.20 કરોડની જંગી કિંમતે ખરીદ્યો હતો, જેનાથી તે IPL ઇતિહાસના સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. જોકે, તે સમયે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ થયેલી હિંસાના અહેવાલો વચ્ચે ભારતમાં તેમના IPL રમવા સામે ભારે વિરોધ શરૂ થયો હતો. જાન્યુઆરી 2026માં BCCIએ KKRને મુસ્તાફિઝુર રહમાનને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ બોર્ડના આદેશનું પાલન કરીને તેને બહાર કર્યો હતો અને તેના સ્થાને અન્ય ખેલાડીને સામેલ કરવાની મંજૂરી મેળવી હતી.

મુસ્તાફિઝુર વિવાદને કારણે બાંગ્લાદેશે છોડ્યો હતો T20 વર્લ્ડ કપ

આ સમગ્ર વિવાદની અસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પણ જોવા મળી હતી:
  • મુસ્તાફિઝુરને રિલીઝ કરવાના નિર્ણય બાદ BCCI અને BCB વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો.
  • બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાની ચિંતાઓનું બહાનું આગળ ધરીને T20 વર્લ્ડ કપ 2026ની પોતાની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાની માંગણી કરી હતી.
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ બાંગ્લાદેશની આ માંગણી ફગાવી દેતાં બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયું હતું અને તેના સ્થાને સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *