કલ્યાણપુરના મંદિરના પટાંગણમાં ગાંજાનું વાવેતર, લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પૂજારીની અટકાયત

કલ્યાણપુરના મંદિરના પટાંગણમાં ગાંજાનું વાવેતર, લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પૂજારીની અટકાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ અને ગેરકાયદે વાવેતર કરતા તત્વો સામે એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક મંદિરના પટાંગણમાં જ પૂજારી દ્વારા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડીને 6.07 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પૂજારીની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે પોલીસે કલ્યાણપુરથી આશરે 42 કિલોમીટર દૂર આવેલા મેવાસા ગામની સીમમાં ભોપા મઢી વિસ્તારમાં સાત લુહારી માતાજીના મંદિરના પટાંગણમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મેવાસા ગામના વતની અને મંદિર ખાતે સેવા-પૂજાનું કામ કરતા 64 વર્ષીય મેરામણ સાજણ ગાધેર નામના વૃદ્ધ પૂજારી દ્વારા મંદિરના પરિસરમાં જ ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું અને સૂકો ગાંજો વેચવામાં આવતો હોવાનું ખુલ્યું હતું.પોલીસે આ સ્થળેથી કુલ 6, 07,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે આરોપી પૂજારી વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પૂજારીએ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. મંદિર પાસે આવેલા એક રૂમમાં રહેતા એક સાધુ અને આરોપી પૂજારી બંને નિજાનંદ માટે ગાંજાની ચલમ પીતા હતા. સાધુ પાસે રહેલો ગાંજો પૂરો થઈ જતાં, સાધુ પાસેના ગાંજાના બીજને મંદિરના પટાંગણમાં ફૂલઝાડની વચ્ચે આજથી આશરે દસ દિવસ પહેલા વાવવામાં આવ્યા હતા. તેઓ આ ગાંજાનું સેવન કરવા ઉપરાંત પોતાનો ખર્ચ કાઢવા માટે ત્યાં આવતા મજૂરો કે અન્ય લોકોને સૂકવણી કરેલો ગાંજો વેચાણ પણ કરતા હોવાનું કબૂલ્યું હતું. આ પ્રકરણમાં અન્ય એક સાધુની પણ સંડોવણી સામે આવી હોય, પોલીસે તેની સઘન શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...