77 રૂપિયાના ભાડાની તકરારમાં રેપિડો રાઇડરે યુવતીનું ફેક ઇન્સ્ટા આઇડી બનાવ્યું

77 રૂપિયાના ભાડાની તકરારમાં રેપિડો રાઇડરે યુવતીનું ફેક ઇન્સ્ટા આઇડી બનાવ્યું

નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ રેપિડો એપ્લિકેશન મારફતે પાર્સલ બુક કરાવ્યું હતું. ડિલિવરી ચાર્જની ચુકવણી બાબતે રેપિડો રાઇડર સાથે બોલાચાલી થતાં યુવતીએ કંપનીમાં તેની ફરિયાદ કરી હતી. જેની અદાવત રાખીને રેપિડો રાઇડરે યુવતીને બદનામ કરવાના ઇરાદાથી ઇન્સ્ટાગ્રામ પર નકલી આઇડી બનાવ્યું હતું. આ સાથે જ યુવતીને બ્લેકમેઇલ કરીને રોકડ અને આઇફોનની માંગણી કરી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નવરંગપુરામાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ થોડા મહિના પહેલાં પોતાના ઘરેથી બહેનપણીને પાર્સલ મોકલવા માટે રેપિડોમાં બુકિંગ કરાવ્યું હતું. પાર્સલ લેવા માટે બ્રિજેશ કાનાણી નામનો યુવક આવ્યો હતો. પાર્સલ ડિલિવરીના 77 રૂપિયા યુવતીએ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જોકે, રાઇડરે તેને નાણાં મળ્યા ન હોવાનું જણાવતા યુવતીએ ટ્રાન્સફરનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો. તેમ છતાં, રાઇડર બ્રિજેશ યુવતીના ઘરે પહોંચ્યો હતો. તે સમયે યુવતી ઘરે હાજર ન હોવાથી રાઇડરે પાડોશી પાસે જઇને નાણાંની માંગણી કરી હતી. રાઇડરના આ અયોગ્ય વર્તન અંગે યુવતીએ રેપિડો કંપનીમાં સત્તાવાર ફરિયાદ કરી હતી.

ફરિયાદ કર્યાના બીજા જ દિવસથી યુવતીને રેપિડો તેમજ અન્ય કંપનીઓમાંથી ઓટીપી (OTP) મેળવવાના ઇમેઇલ અને વોટ્સએપ મેસેજ આવવા લાગ્યા હતા. સાથે જ ગુગલ પે પર નાણાંની રિક્વેસ્ટ પણ આવતી હતી. એટલું જ નહીં, યુવતીના પરિવારજનોના મોબાઇલ પર પણ ઓટીપી આવવા લાગ્યા હતા. આરોપીએ યુવતીના બનેવીની કંપનીની વેબસાઇટ પર બિઝનેસ ફોર્મ ભરીને યુવતી વિશે આપત્તિજનક લખાણ લખ્યું હતું. આ મામલે અગાઉ સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી.

આટલું જ નહીં, આરોપીએ યુવતીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના પર ખોટી પોસ્ટ અને ફોટા અપલોડ કર્યા હતા તેમજ ઇમેઇલ પર પણ વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. યુવતીએ તે આઇડી પર મેસેજ કરીને પૂછપરછ કરતાં બ્રિજેશે જણાવ્યું હતું કે, “તારે મારી માફી માંગવી પડશે, 77 હજાર રૂપિયા અને આઇફોન આપવો પડશે. જો નહીં આપે તો તારા મોર્ફ કરેલા ફોટો સગા-સંબંધિઓને મોકલી આપીશ.” આખરે કંટાળીને યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, “રેપિડો રાઇડર બ્રિજેશ કાનાણી વિરુદ્ધ યુવતીએ કરેલા આરોપો અંગે પુરાવા એકત્ર કરીને તપાસ કરવામાં આવી રહી છે. કંપની પાસેથી જરૂરી માહિતી મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...