લોકોના ઘરોમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોની વધતી જતી સંખ્યા અને વધતા જતા વપરાશથી વીજળીની ખપત પણ વધી છે.ભવિષ્યમાં પણ તેમાં વધારો જ થવાનો છે અને વીજ સપ્લાય પૂરો પાડવા માટે હોમ એનર્જી મેનેજમેન્ટનું મહત્વ પણ વધશે.વડોદરા શહેરની વાત કરવામાં આવે તો ૬ લાખ કે તેથી વધારે આવક ધરાવતા ૯૩ ટકા ઘરોમાં હવે સરેરાશ બે એસી જોવા મળે છે.આ ઈનકમ ગુ્રપમાં આવતા ઘરોમાં ૧૨ થી ૧૩ પ્રકારના વીજ ઉપકરણો છે અને દરેક ઘરના સરેરાશ વીજ બિલમાં ૧૦ વર્ષમાં અઢી ગણો વધારો થયો છે.
એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના અધ્યાપક ડો.શીતલ શિનખેડેએ હોમ એનર્જી મેનેજમેન્ટ પર કરેલા પીએચડી રિસર્ચમાં ઉપરોકત જાણકારી સામે આવી છે.તેમણે સંશોધનના ભાગરુપે વડોદરાની ૩૦ સોસાયટીઓના ૧૨૩૦ મકાનોના વીજ વપરાશની જાણકારી મેળવી હતી અને ૫૦૦ મકાનોના ૧૦ વર્ષના વીજ બિલનો પણ અભ્યાસ કર્યો હતો.આ ઘરોનું ૨૦૧૦માં બે મહિનાનું સરેરાશ વીજ બિલ ૯૦૦ રુપિયાની આસપાસ હતું.જે ૨૦૨૧માં વધીને ૨૫૦૦ રુપિયા થઈ ગયું હતું.ડો.શિનખેડેનું કહેવું છે કે, જૂના જોડાણો ધરાવતા ઘણા ગ્રાહકો પોતાનો સાચો લોડ વીજ કંપની સમક્ષ જાહેર કરતા નથી.
જેના કારણે વીજ સપ્લાય કરતા ટ્રાન્સફોર્મરો પર ભારણ આવે છે.જેના કારણે ટ્રાન્સફોર્મરોમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહી છે.વધતી જતી વીજ માગ સામે હવે ઈન્ડસ્ટ્રીની જેમ ઘરોમાં પણ હોમ એનર્જી મેનેજમેન્ટ માટે વીજ બિલ યુનિટ બેઝડની સ્લેબની જગ્યાએ ડિમાન્ડ બેઝડ સ્લેબ પર આધારિત હોવું જોઈએ.વીજ કંપનીએ પીક અવર્સમાં વીજ ઉપકરણોનો ઓછા વપરાશને પ્રોત્સાહન મળે તે પ્રકારની નીતિ લાગુ કરવી જોઈએ.
