રાજકોટના એ-ડિવીઝન પોલીસ મથકના અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં કિરપાલસિંહ સિંધવ (ઉ.વ.૩૧)ના મૃત્યુ પામેલા ભાઈને રૂા.૧.૩પ કરોડ વ્યાજે આપ્યાનું કહી તેની પઠ્ઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ચુડાના ચોકડી ગામના રાજા હરજીભાઈ રાતડિયા અને સુરેન્દ્રનગરના રમેશ કુમરાભાઈ વરૂ સામે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જેમાં કિરપાલસિંહે જણાવ્યું છે કે તે મેયર બંગલો પાછળ સમ્રાટ એપાર્ટમેન્ટમાં રહે છે. મોટાભાઈ મહાવીરસિંહનું અમદાવાદ ખાતે તેના ફલેટના ચોથા માળેથી નીચે પટકાવાથી ગઈ તા.૯ જૂનના રોજ મૃત્યુ નીપજયું હતું. જેની અંતિમક્રિયા વતન ચોકડી ગામે કે જયાં તેના પિતા ખેતી કરે છે ત્યાં રાખી હતી. ગઈ તા.૧૩નાં રોજ બેસણામાં બંને આરોપીઓ ત્રણ અજાણ્યા શખ્સ સાથે આવ્યા હતા.
તે વખતે તેના પિતાને ઘરની બહાર બોલાવી બંને આરોપીઓએ કહ્યું કે તમારા દિકરા મહાવીરસિંહને રૂા.૧.૩પ કરોડ વ્યાજે આપ્યા હતા. જે રકમ લેવાની છે. જેથી તેના પિતાએ પુત્રએ આ બાબતે પોતાને કોઈ વાત નહીં કર્યાની અને ચાર વર્ષથી તેની સાથે સંબંધ નહીં હોવાનું કહેતાં આરોપીઓએ રૂપિયા તમારે આપવા જ પડશે તેમ કહ્યું હતું.
ગઈ તા.ર૭ જૂનના રોજ બંને આરોપીઓએ તેને કોલ કરી રૂપિયા બાબતે મળવાની વાત કરી હતી. તેણે પોતે આ બાબતે અજાણ હોવાનું કહેતાં આરોપીઓએ તું રૂપિયા નહીં આપે તો તારો ભાઈ જેમ બિલ્ડિંગમાંથી પડીને મરી ગયો હતો તે જ રીતે તને અને તારા બાપને કોઈ બિલ્ડિંગ ઉપર લઈ જઈ નીચે ફેંકી મારી નાખીશું. આ પછી ગાળો ભાંડી હતી. તેણે પિતા સાથે આ બાબતે વાત કરી કોલ કરશે તેમ કહ્યું હતું.
ગઈ તા.૪ જુલાઈના રોજ ફરીથી આરોપીઓએ રૂપિયા બાબતે મળવાની વાત કરી હતી. જેથી તેમને પિતાએ આ મેટરમાં કોઈ વાત નહીં કરવાની સલાહ આપ્યાનું કહેતાં બંને આરોપીઓએ સીધી રીતે રૂપિયા આપી દેજો, અમારી પાસે રૂપિયા કઢાવવાના ઘણાં રસ્તા છે, તું અમને હજુ ઓળખતો નથી, અમારા વિશે ગામમાં કોઈને પૂછી લેજે તેમ કહી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી. જેને કારણે આખરે ફરિયાદ નોંધાવી હતી.
