રાજકોટ ખાતેના સહજાનંદ ઇન્ડસ્ટ્રીઅલ એરીયામાં આવેલી પિતૃકૃપા નામની પંચરની દુકાનના માલિક શાંતિલાલ મોહનભાઇ કાપડીયા (ઉ.વ.૫૦)એ માત્ર 11 વર્ષની બાળકીને વેફર અને ચોકલેટની લાલચ આપી પોતાની દુકાનમાં તેનું જાતિય શોષણ કર્યાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે.
જેના પગલે આજી ડેમ પોલીસે બીએનએસ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી હતી. તેની કરતુતો જાણી પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને તેની આગવી ઢબે સરભરા કરી હતી. આરોપી પોતાની દુકાનમાં જ એકલો રહે છે.
ગઇકાલે બપોરે ભોગ બનનાર બાળકીની માતા કામે ગઇ હતી. પાછળથી તેની પુત્રી રમતી હતી. તે વખતે તેને જોઇ આરોપીની દાનત બગડતા તેને વેફરના પેકેટ અને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની દુકાનમાં બોલાવી હતી. દુકાનની અંદર લઇ જઇ આરોપી તેને ટેબલ નીચે બેસાડી તેનું જાતિય શોષણ કર્યું હતું.
તે વખતે પંચરની દુકાનમાં નોકરી કરતાં યુવકને શંકા ગઇ હતી. ભોગ બનનાર બાળકી દુકાનની બહાર નીકળતા તેને પુછતાં આપવિતી કહી હતી. તે સાથે જ તે યુવકે પોલીસને જાણ કર્યા બાદ તેની માતાને શોધી જાણ કરી હતી. જેણે પછીથી આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એચ.એન.પટેલે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી.
