શહેરના ડુમસ વિસ્તારમાં આવેલ એક ફાર્મ હાઉસમાં 14મી ઓગસ્ટની મોડી રાત્રે ચાલી રહેલી જન્મદિવસની હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે મોટો દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ અને 14 યુવકો સહિત કુલ 22 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ડુમસ સ્થિત બાપુજીની વાડી વિસ્તારમાં આવેલા ‘જશ્ન વિલા 12-એ’ ફાર્મ હાઉસમાં એક યુવતીના જન્મદિવસની ઉજવણી માટે આ હાઇપ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓમાં આવ્યા હતા અને ફાર્મ હાઉસમાં ગેમ્સ રમવાની સાથે વિદેશી દારૂની બોટલો સાથે જોરશોરથી સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ઓચિંતી રેડ કરી હતી.
દરોડા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે પોલીસ પહોંચતા જ ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલોને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂ, બિયરનો જથ્થો જેમાં વ્હિસ્કીની 1 આખી અને 5 અર્ધી બોટલ, 9 ફોરવ્હીલ લક્ઝરી વાહનો અને 24 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.67 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પાર્ટીમાં પકડાયેલા લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં નોકરી-ધંધો કરે છે તેમજ કેટલાક યુવાનો કોલેજના વિદ્યાર્થીઓ પણ છે. પોલીસે અટકાયત કરાયેલા તમામ 22 શખ્સોને મેડિકલ તપાસ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી દારૂ ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરી છે. તેમજ ફાર્મ હાઉસના માલિકના નિવેદનો પણ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
