ભાવનગર તળાજામાં નોટરી રજીસ્ટરમાં સહી કરાવવા જેવી સામાન્ય બાબતમાં ગિન્નાઈ જઈ એક યુવકે વકીલને ફોન પર ગંદી ગાળો આપી પોતે પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી ધમકી આપ્યાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે તળાજા પોલીસ મથકમાં આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, સરતાનપર ગામે રહેતા અને તળાજા કોર્ટમાં વકીલાત કરતા ૨૬ વર્ષીય રૃતુભાઈ નારણભાઈ ચુડાસમા ગત તારીખ ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ પોતાના સિનિયર વકીલના કહેવાથી નોટરી રજીસ્ટરમાં સહી કરાવવાના કામકાજ અર્થે ગયા હતા. દરમિયાન, મણાર ગામના રહીશ બાબુ નરભેરામભાઈ પનોત નામના શખ્સની નોટરી રજીસ્ટરમાં સહી કરવાની બાકી હોવાથી તેમને ત્રાપજ ખાતે સહી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.જોકે, બાબુ સમયસર આવ્યા નહોતા અને દસ મિનિટ રાહ જોયા બાદ વકીલ તળાજા જવા નીકળી ગયા હતા. જેથી ખીજાઈ ગયેલા બાબુ પનોતે વકીલના મોબાઈલ પર ફોન કરી અત્યંત તોછડું વર્તન કરી ગંદી ગાળો આપી હતી. એટલું જ નહીં, પોતે પોલીસ વિભાગમાં નોકરી કરતો ન હોવા છતાં હું પોલીસમાં નોકરી કરું છું, ત્યાં આવીને ઝાપટ મારીશ તો પડી જઈશ તેવી ધમકી આપી પોતાની ખોટી રોફ જમાવ્યો હતો.આ બનાવ અંગે વકીલ રૃતુભાઈ ચુડાસમાએ પોતાના સિનિયર વકીલો અને સાથી વકીલોને જાણ કર્યા બાદ, તળાજા પોલીસ સ્ટેશન પહોંચી બાબુ નરભેરામભાઈ પનોત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તળાજા પોલીસે આરોપી સામે બી.એન.એસ. કલમ ૩૫૧(૧), ૩૫૨ અને ૨૦૪ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
