વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી એક યુવકનો બે ટુકડા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. યુવકનો મૃતદેહ ધડ અને કમરના ભાગેથી અલગ થયેલો મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
ઘટના અંગેની જાણ થતાં જ ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. યુવકનું મોત ટ્રેનની અડફેટે આવવાથી થયેલો અકસ્માત છે કે પછી કોઈ અજાણ્યા શખસો દ્વારા ઘાતકી હત્યા કરીને મૃતદેહને રેલવે ટ્રેક નજીક ફેંકી દેવાયો છે, તે બંને દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવકની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારમાંથી તાજેતરમાં ગુમ થયેલા લોકોની માહિતી અને સીસીટીવી ફુટેજ ખંગાળવામાં આવી રહ્યા છે.યુવકનું મોત કયા સંજોગોમાં થયું અને ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે સ્પષ્ટ કરવા ગોરવા પોલીસે એફએસએલ (FSL) નિષ્ણાતોની મદદ લઈને કાયદેસરની તપાસ આગળ ધપાવી છે.
