કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક પરિવારની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના પ્રયાસના ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. આ ત્રણેય આરોપીઓને આજે પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં અદાલતે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, આ સમગ્ર પ્રકરણમાં અન્ય શખ્સોની સંડોવણી તેમજ મોટા નેટવર્કની શક્યતા અંગે પોલીસ તપાસ કરી રહી છે. રાજ્ય સરકારે પણ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.આ સમગ્ર ઘટનાને લઈને આજે પોલીસે વિધિવત પ્રેસ કોન્ફરન્સ યોજી તપાસની વિગતો જાહેર કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકની બંને સગીરાઓને મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલી દાતાર બાપુની દરગાહ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં કોડીનાર પોલીસે દરોડા દરમિયાન બંને સગીરાઓને બુરખો પહેરેલી હાલતમાં શોધી કાઢી હતી. બે દિવસ પહેલાં પ્રકાશમાં આવેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓમાં કોડીનારના અબ્દુલ સંધિ, મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે દાતારની દરગાહના મૌલવી આસિફ કવાલી ઉર્ફે મરાઠી અને ધોરાજીના નિષાદ કાજીનો સમાવેશ થાય છે.
પોલીસને આ ત્રણ આરોપીઓ ઉપરાંત અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાની આશંકા છે. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાની કડીઓ, સગીરાઓને ઉનાવા લઈ જવા પાછળની ભૂમિકા અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે તપાસ કરવામાં આવશે.બે સગીરાઓને કોડીનારથી ઉનાવા સુધી કોણ અને કઈ રીતે લઈ ગયું? આ સમગ્ર ઘટનામાં અન્ય કેટલા લોકોની ભૂમિકા છે? નામ બદલવા અને ધર્મ પરિવર્તન સંબંધિત પ્રક્રિયામાં કોણ કોણ સામેલ હતું? સહિતના અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.હવે આ પ્રકરણની તપાસ વધુ વ્યાપક બનવાની શક્યતા છે.છ મિનિટના વીડિયોમાં સગીરાએ જણાવી આપવીતી દરમિયાન આ પ્રકરણને લગતો આશરે છ મિનિટનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
જેમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી એક સગીરાએ આરએસએસના એક આગેવાન સમક્ષ સમગ્ર ઘટનાક્રમની વિગતો જણાવી હોવાનું સામે આવ્યું છે.વીડિયોમાં સગીરાના જણાવ્યા અનુસાર, તેની એક બહેનપણીનું હિન્દુ નામ બદલીને ‘કાજી નાયરા’ રાખવામાં આવ્યું હતું. તેમજ ઉનાવા ગામની દાતાર બાપુની દરગાહમાં બંને સગીરાઓને ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી. આ દરમિયાન કલમા પઢાવવામાં આવ્યા અને બુરખો પહેરાવવામાં આવ્યો હોવાનો પણ સગીરાએ આક્ષેપ કર્યો છે.
