જામનગર શહેર સહિત હાલારમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે સૂર્યનારાયણના આકરા તાપના કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે રાત્રિના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. દરમિયાન શુક્રવારે ઓક્ટોબર માસમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે સરકીને 19.5 ડિગ્રી નોંધાતાં શિયાળાના આગમનના પગરવ સંભળાવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
જામનગર સહિત હાલારમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવા સાથે વરસાદની ઘટ જોવા મળી હતી. ચોમાસાની વિદાયના સંક્રમણકાળ વચ્ચે હવામાનમાં પણ વારંવાર પલટો આવી રહ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહથી દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 36થી 37 ડિગ્રીની આસપાસ રહેતા આસો માસમાં પણ ચૈત્ર માસ જેવી ગરમીનો અનુભવ થયો હતો. જોકે, હવે રાત્રિના તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે.
સામાન્ય રીતે શરદ પૂર્ણિમા બાદ રાત્રિના તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સાથે વાતાવરણમાં ઠંડક વધતી હોય છે. આ વર્ષે પણ દિવાળીના પર્વ પૂર્વે હવામાનમાં આવેલા ફેરફારને પગલે શિયાળાની શરૂઆતના એંધાણ વર્તાઈ રહ્યા છે. જોકે, મહત્તમ તાપમાન હજુ પણ 34 ડિગ્રીની આસપાસ રહેતું હોવાથી બપોરના સમયે ગરમીનો માહોલ યથાવત્ છે.જામનગર સહિત હાલાર પંથકમાં હવામાં ભેજનું પ્રમાણ વધતાં વહેલી સવારે ધુમ્મસ છવાઇ જવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. આમ, બપોરે ગરમી અને રાત્રે ઠંડકના કારણે હાલારવાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
