અમદાવાદ શહેરમાં ગંભીર માર્ગ અકસ્માત, ઈમારત ધરાશાયી થવી કે અન્ય આપત્તિની સ્થિતિમાં ફસાયેલા નાગરિકોને તાત્કાલિક બહાર કાઢી બચાવી શકાય તે હેતુથી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES) દ્વારા આધુનિક ટોયોટા હિલક્સ આધારિત સ્પેશિયલ ‘ફાયર રેસ્ક્યુ’ વાહનો કાફલામાં સામેલ કરવામાં આવ્યા છે. 19.74 કરોડ રૂપિયાના ખર્ચે આવા 15 વાહનો વસાવવામાં આવ્યા છે. આ વાહનો આગ બુઝાવવા માટે નહીં, પરંતુ સંપૂર્ણપણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવા માટે તૈયાર કરાયા છે. સાંકડા માર્ગો કે ટ્રાફિક વચ્ચે મોટા વાહનો પહોંચવામાં વિલંબ થાય તેવા સંજોગોમાં આ ફોર-વ્હીલ ડ્રાઇવ (4×4) વાહનો કટર, વેલ્ડર સહિતના અત્યાધુનિક બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે ઝડપથી પહોંચી ગોલ્ડન અવરમાં જીવનરક્ષક કામગીરી કરશે.
શહેરમાં જ્યારે હાઇવે કે સાંકડા રસ્તાઓ પર મોટા અકસ્માત થાય છે ત્યારે વાહનોમાં લોકો ખરાબ રીતે ફસાઈ જતા હોય છે. આવા સમયે સમય ગુમાવ્યા વગર પતરાં કે લોખંડ કાપવા માટે આ વાહનમાં હાઇડ્રોલિક કટર, સ્પ્રેડર, પોર્ટેબલ વેલ્ડિંગ મશીન અને કટિંગ ટોર્ચ જેવા સાધનો રાખવામાં આવ્યા છે. 4×4 ક્ષમતા ધરાવતું હોવાથી આ વાહન કાટમાળ કે મુશ્કેલ ભૂપ્રદેશમાં પણ સરળતાથી નેવિગેટ થઈ શકે છે.
વાહનની છત પર ખાસ ટેલિસ્કોપિક લાઇટિંગ માસ્ટ અને હાઇ-બીમ એલઇડી ફ્લડલાઇટ્સ લગાવવામાં આવી છે, જેથી અંધકાર કે ધુમાડાવાળી સ્થિતિમાં પણ ચોતરફ પ્રકાશ પાથરી સર્ચ ઓપરેશન ચલાવી શકાય. વાહનના પાછળના કસ્ટમાઇઝ્ડ બોડી કમ્પાર્ટમેન્ટમાં રોપ રેસ્ક્યુ કીટ, લાઇફ-સેવિંગ જેકેટ્સ અને ફર્સ્ટ એઇડ બોક્સ રાખવા માટે ખાસ કેબિન બનાવાઈ છે .
>કટર અને સ્પ્રેડર: કાર કે બસના પતરાં અને લોખંડના એંગલ ચીરીને લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે હાઇડ્રોલિક કટર.
>પોર્ટેબલ વેલ્ડર/કટિંગ સેટ: ભારે લોખંડના ગર્ડર કે ગ્રીલ કાપવા માટે ઇમરજન્સી વેલ્ડિંગ અને મેટલ કટિંગ મશીનરી.
>લાઇટિંગ ટાવર: રાત્રિ દરમિયાન અંધારામાં દૂર સુધી પ્રકાશ ફેંકતી રિમોટ સંચાલિત માસ્ટ લાઇટ.
>મોડેલ ક્ષમતા: ટોયોટા હિલક્સ 4×4 પ્લેટફોર્મ, જેથી પૂર કે કાટમાળ વચ્ચે પણ અટક્યા વગર આગળ વધી શકે.
>મુખ્ય કામગીરી: રોડ એક્સિડન્ટ રેસ્ક્યુ, બિલ્ડિંગ કોલેપ્સ, લિફ્ટ રેસ્ક્યુ અને આપત્તિ સમયે પ્રથમ રિસ્પોન્સ આપવો.
અમદાવાદ ફાયર વિભાગ જળ હોનારત અને પૂર જેવી કટોકટીમાં રાહત કામગીરી મજબૂત કરવા 3.40 કરોડ રૂપિયાના ખર્ચે 10 નવી આધુનિક રેસ્ક્યુ બોટ વસાવી છે. ચોમાસામાં સાબરમતી નદી, તળાવો કે નીચાણવાળા જળબંબાકાર વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા આ બોટ ઉપયોગી બનશે. અદ્યતન આઉટબોર્ડ મોટર (OBM) ધરાવતી આ બોટ તેજ પ્રવાહમાં પણ સ્થિર રહી ઝડપી સર્ચ-રેસ્ક્યુ કરી શકે છે. બોટમાં લાઇફ જેકેટ, લાઇફ બોયા અને રેસ્ક્યુ રોપ જેવી સુરક્ષા કીટ ઉપલબ્ધ રહેશે, જેથી રિસ્પોન્સ ટાઇમમાં ઘટાડો થશે અને વધુ જીવ બચાવી શકાશે.
