અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રીજ ઉપર આજે (15 સપ્ટેમ્બર) વહેલી સવારે 03:30 વાગ્યે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીનગરથી ઘરે જવા નીકળેલા 20 વર્ષીય હેત પરીખની કાર ફુલ સ્પીડને કારણે બેકાબૂ બનીને ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થવા છતાં સદનસીબે કારચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ઈજાઓ પહોંચી ન હતી, પરંતુ જાહેરમાં ગફલતભરી રીતે કાર હંકારવા બદલ પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, 15 સપ્ટેમ્બરના રોજ સવારે 03:30 વાગ્યે એસ. જી. હાઇવે પર વાઇડ એન્ગલ સામે ઇસ્કોન બ્રીજ ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની મેસેજ મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં એક કાર અકસ્માત થયેલી હાલતમાં હતી. આ કારનો ચાલક હેત પરીખ (ઉંમર 20, રહેવાસી મકાન નંબર 103, શેફલ ગારનેટ એપાર્ટમેન્ટ, આનંદનગર, સેટેલાઇટ) ઘટનાસ્થળે હાજર હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે ગાંધીનગરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ફૂલ સ્પીડમાં કાર ચલાવતા પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને કાર બ્રીજ પર મૂકેલા ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ ગઈ હતી.
જેને લીધે સર્જાયેલા અકસ્માતમાં કારના આગળના બમ્પર, બોનેટ, પાછળની ડેકી અને બંને સાઇડની બોડીના ભાગે મોટું નુકસાન થયું છે. જોકે, આ ઘટનામાં ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ ઈજાઓ પહોંચી ન હતી. મહત્વનું છે કે, જાહેરમાં પૂરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ હેત પરીખ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેની સામે તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઇસ્કોન બ્રિજ ઊતરીને કર્ણાવતી ક્લબ તરફ જતા રોડ બીજા બ્રિજને જોડતો રોડ બનવાની કામગીરી ચાલુ છે. જેને લીધે ઇસ્કોન બ્રિજનો વાઇડ એંગલ સામેનો રેમ્પ બે દિવસ પહેલા ખુલ્લો મુકાયો હતો અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
