અમદાવાદમાં રસ્તા પરના દબાણો દિવસેને દિવસે વધી રહ્યા છે. તેની સાથે જ દબાણો હટાવવા માટે જતા મ્યુનિસિપલના એસ્ટેટ વિભાગની ટીમ સાથે ફેરિયાઓના ઘર્ષણની ઘટનાઓ પણ વધી છે. ત્યારે મેયરના વોર્ડ થલતેજમાં દબાણ હટાવવા ગયેલી મ્યુનિસિપલના એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થરમારો થયો હતો. જેના કારણે ચારેક વાહનોમાં કાચ તૂટી જવા સહિતનું નુકસાન થયું હતું. આ ઘટના અંગે મ્યુનિસિપલે પોલીસને જાણ કરી છે. પરંતુ ઘટનાના 24 કલાક પછી પણ સત્તાવાર રીતે એફઆઈઆર નોંધાઈ નથી.
અમદાવાદના થલતેજ વોર્ડમાં જૂના ગામ વિસ્તારમાં મેટ્રોલાઈન પર લારી-પાથરણાના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા પેદા થઈ રહી છે. જેના પગલે ગઈકાલે (12મી ઓગસ્ટ) સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી. પહેલાં ફેરિયાઓને રસ્તો ખાલી કરવાની તાકીદ કરાઈ હતી. પરંતુ ફેરિયાઓ માન્યા નહોતા. પરિણામે એસ્ટેટ ખાતાના સ્ટાફે લારીઓ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. જોતજોતામાં મામલો વધારે ઉગ્ર બનતા 25થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઉપરાંત દબાણ ખાતાના મજૂરને માર પણ માર્યો હતો.
પથ્થરમારાના કારણે બે દબાણ વાન અને બે એન્ફોર્સમેન્ટ વાન મળીને કુલ ચાર વાહનના કાચ તૂટી જવા સહિતની નુકસાની થઈ હતી. ઉત્તર પશ્ચિમ ઝોનના ડે.એસ્ટેટ ઓફિસરે આ અંગે જણાવ્યું છે કે, ભૂતકાળમાં પણ બે-ત્રણ વખત અહીં આવી ઘટનાઓ બની ચૂકી છે. ગઈકાલે અસામાજિક કૃત્ય થયા બાદ મ્યુનિસિપલનો સ્ટાફ સ્થળ પરથી પરત ફરી ગયો હતો. આ અંગે પોલીસને સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખુદ મેયરના વોર્ડમાં આટલી ગંભીર ઘટના ઘટી હોવા છતાં બનાવના 24 કલાક પછી પણ સત્તાવાર રીતે એફઆઈઆર નોંધાઈ નથી! બે દિવસ પહેલાં સિંધુ ભવન રોડ પર પણ આવી રીતે જ શાબ્દિક ટપાટપી થઈ હતી.
