નોટબંધી મુદ્દે મોરચો આવ્યો છે એવી ખબર પડતાં ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં દોડધામ મચી ગઈ. કેટલાક અધિકારીઓ ટેરેસ પર તો કેટલાક બેઝમેન્ટમાં ભાગ્યા. બે-ચાર જણે તો ‘યા હોમ કરીને પડો, સ્વર્ગ છે આગે’ એવું વિચારીને ગેેલેરીમાંથી ઝંપલાવવાનું નક્કી કરી લીધું. એક જણે તો વળી ‘ધુરંધર’ના પ્રોડયુસરને ફોન જ જોડી દીધો કે તમે ‘ધુરંધર-૯૯’ બનાવો તેમાં આ મોરચાને કારણે અમે વ્હોરેલી શહાદતનો સીન લઈ લેશો કે કેમ?’
જોકે, એક બહાદૂર પટાવાળાએ અંદર આવી વધામણી ખાધી કે આ મોરચા તો નોટબંધી પાછી લાદવાની માંગ સાથે આવ્યો છે.
એક અધિકારી પહેલા માળે હતા તેમણે તો ત્યાંથી સીધો નીચે ભૂસકો માર્યો અને ગ્રાઉન્ડ પર ઉભેલા મોરચાવાળાના પગમાં જ પડી ગયા. ‘ભાઈ સાહેબ, દસ વર્ષ પહેલાં જે ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ. જુઓ આ દસ વર્ષમાં અમે નોટબંધીનું નામ પણ લીધું છે? અમે હવે ક્યાં નોટબંધીને અમારી સિદ્ધિ ગણાવીએ જ છીએ?’
મોરચાના એક આગેવાન આ અધિકારીને ઊભા કરીને કહે, ‘અરે યાર, ટ્રમ્પે ટેરીફ લાદ્યો હોય કે પછી કોઈ એલટીસીજીની વાત કરતું હોય તેમ આ રીતે રોદણાં ન રોવા માંડો. અમે ક્યાં કહ્યું કે તમે ત્યારે કાંઈ ખોટું કર્યુું હતું?’
‘એ તો તમારું મન મોટું છે. બાકી, અમને તો ખબર જ છે કે અમે શું બાફ્યું હતું …’ અધિકારી વિનવણીના સૂરે બોલ્યા.
બીજા આગેવાન કહે, ‘એ બધી રાંધવા, બાફવાની વાત પરથી જ અમે અહીં આવ્યા છીએ. તમને ખબર છે કે ખાવાનું બનાવવા માટેનું કરિયાણું, શાક, ગેસ બધું મોંઘું થઈ ગયું છે?’
નોટબંધીની કોઈપણ વાત નીકળે ત્યારે માથું જ ખંજવાળવા માંડતાં અધિકારીઓ આ વખતે પણ મૂંઝાયા એટલીવારમાં પેલા આગેવાને આગળ ચલાવ્યુું. ‘અમે કહેવા આવ્યા છીએ કે મોંઘવારી વધી ગઈ છે એટલે પેલી નોટબંધી પાછી લાવો. અત્યારની દસ રુપિયાથી માંડીને ૨૦, ૫૦ કે ૧૦૦ રુપિયાની નોટમાં શાક, મસાલા, અનાજ કાંઈ આવતું નથી. મતલબ કે આ બધી નોટો નિરર્થક બની ગઈ છે. એટલે આ વખતે આ નાની નોટોની નોટબંધી કરીને ચલણમાંથી રદ કરી નાખો. ગયા વખતે બે હજારની ગુલાબી નોટ લાવ્યા હતા તેને બદલે આ વખતે બે લાખની અલ્ટ્રા ગુલાબી નોટો લઈ આવો.’
આ સાંભળી રાહત થઈ હોય તેમ એક અધિકારી હસું હસું થતાં બોલી પડયા. ‘આમ પણ હવે ગઈ નોટબંધી પછીનાં આ દસ વર્ષમાં દેશ એટલો બધો સમૃદ્ધ અને વિકસિત થઈ ગયો છે કે હવે ૧૦-૨૦-૫૦ની નોટો ચલણમાં હોય એ જરા નાનમ જેવું લાગે છે.’
આ વાત સાંભળી પેલા મોરચાના એક આગેવાનો ઠુઠવો મૂક્યો. તેમની સાથે બીજા આગેવાનો પણ ધુ્રસ્કે ધુ્રસ્કે રડવા લાગ્યા.એક અધિકારી ગળગળા થઈને કહે, ‘ચાલો, તમે આવ્યા તો આ બહાને નોટબંધીની વરસીએ શ્રદ્ધાંજલિ સભાનો માહોલ થઈ ગયો. બાકી, અમારામાં તો હવે એ બહાને પણ નોટબંધીને યાદ કરવાની હિંમત નથી રહી.’
…ને બાકીના અધિકારીઓ પણ ડૂસકાં ભરવા લાગ્યા.
સ્માઇલ ટિપ
ભલભલી ફલોપ ફિલ્મોને સુપરહિટ તરીકે ઠઠાડી દેવા ધૂમ પ્રચારનો આઇડિયા બોલિવુડ પ્રોડયુસરોેને નોટબંધી પરથી જ આવ્યો છે
મોંઘવારી પ્રમાણે હવે બે લાખની નોટ લાવજો
