પોલીસ સ્ટેશન જવામાં મુક્તિ, હવે 1930 પર કોલ કરી નોંધાવી શકાશે E-ZERO FIR

રાજ્યમાં નાણાકીય છેતરપિંડીના વધતા કિસ્સાઓમાં ભોગ બનનારને ઝડપથી નાણાં પરત મળી શકે તે માટે ગુજરાત પોલીસે E-ZERO FIR સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમ હેઠળ ભોગ બનનાર સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરે ત્યારે આપવામાં આવતી વિગતોના આધારે જ FIR નોંધાઈ જશે અને તે સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. જેના કારણે તપાસની કામગીરી ત્વરિત શરૂ થશે અને છેતરપિંડીથી ગયેલી રકમને રિકવર કરવામાં વધુ સરળતા રહેશે. પોલીસે આ માટે વિશેષ સોફ્ટવેર તૈયાર કર્યું છે.

અગાઉ કોઈ વ્યક્તિ સાથે સાયબર ક્રાઇમ હેઠળ નાણાકીય છેતરપિંડી થતી ત્યારે સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરવાથી ભોગ બનનારની વિગતો જાણીને તેમને ટિકિટ નંબર આપવામાં આવતો હતો અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જવાની સૂચના આપવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં કલાકોનો સમય વિતી જતો હોવાથી ભોગ બનનારના નાણાં પરત મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત પોલીસ દ્વારા વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને E-ZERO FIRની શરૂઆત કરવામાં આવી છે. હવે સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ દાખલ થતાં જ તે કેસની ઝીરો FIR નોંધાઈ જશે અને તે આપોઆપ સંબંધિત પોલીસ સ્ટેશન પહોંચી જશે, જેથી ભોગ બનનારને રૂબરૂ પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહીં. આ માટે તમામ ફિલ્ડ યુનિટ્સ સાથે સંકલન કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ નવી સિસ્ટમ અંતર્ગત રાજ્યની પ્રથમ ઝીરો FIR અમદાવાદના એક વ્યક્તિની નોંધાઈ હતી, જેમને ડિજિટલ અરેસ્ટ કરીને નાણાં પડાવી લેવામાં આવ્યા હતા. આ કિસ્સામાં ત્વરિત કાર્યવાહી કરીને રૂપિયા 16 લાખની રકમ બચાવી લેવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સંકલન સાધીને આ E-ZERO FIR સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...