નસીબદાર ગૌરીવહુ

‘અમારી વહુનાં પગલાં તો ખૂબ જ શુભ રહ્યાં છે. તેનાં પગલાં પડતાંની સાથે જ અમારા સૌના નસીબ ચમકી ઊઠયા.’ સીમા આંટી આ વાત પોતાનાં સગાંસંબંધીઓ, પાડોશીઓને દિવસમાં ઓછામાં ઓછું ૧૦ વાર તો જરૂર સંભળાવતા હતા.
સોહન અને ગૌરીનાં લગ્નને ૧ મહિનો વીતી ગયો હતો. સોહનના પણ નસીબ સારા હતા કે તેને ગૌરી જેવી સંસ્કારી અને ભણેલીગણેલી પત્ની મળી. સોહન પોતે અનેકવાર નાપાસ થવા છતાં મહામુશ્કેલીએ ૧૨મું ધોરણ પાસ કરી શક્યો હતો. આવા છોકરાને ભલા કઈ નોકરી મળી શકે? આ છોકરો તો ભલામણથી ચોંટાડવાને લાયક પણ ન હતો.
મનોજ અંકલ કમિશનરના સેક્રેટરીના પદ પર હતા. તેમણે ઘણા પ્રયત્નો કર્યા બાદ ગામમાં રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ પોતાના પુત્રને અપાવ્યો ત્યારે સોહન કહેવાતો કમાઉ દીકરો બની ગયો, પરંતુ કોન્ટ્રાક્ટરનું કામ મળવાથી હાથમાં થોડાઘણા રૂપિયા શું આવ્યા કે સોહન છોકરીઓ સાથે મોજમસ્તી કરવા લાગ્યો.
મનોજ અંકલ અને સીમા આંટીને સોહનની ખૂબ જ ચિંતા સતાવવા લાગી. તેમણે વિચાર્યું, એવું જ કરવામાં આવે જેવું આપણા સમાજમાં મોટાભાગનાં માબાપો કરે છે. સોહનનાં જો લગ્ન કરાવી દેવામાં આવે તો ઘરના ખૂંટા સાથે બંધાયેલો રહે, પરંતુ પરિચિતોમાં અને સંબંધીઓમાં કોઈપણ પોતાની છોકરી સોહનને આપવા રાજી ન હતા.
ત્યારે મનોજ અંકલે ગામથી દૂરની રહેવાસી ગૌરી નામની એક છોકરીને શોધી કારણ કે આટલે દૂર સોહનના ગુણો વિશે કોઈ જાણતું ન હતું. ગૌરીના પિતા તે ગામના વૈદ્ય હતા. જડીબુટ્ટીઓથી લોકોનો ઈલાજ કરતા હતા. ગામના લોકો પણ તેમને ખૂબ જ માન આપતા હતા.
સોહન પ્રત્યેક માપદંડોએ એક નાલાયક પતિ હતો સિવાય કે એક ચીજને છોડીને અને એ હતી તેની સુંદરતા. તેની બોલચાલની રીત પણ તદ્દન એકદમ અલગ જ હતી. તેની રીતભાત એટલી સારી હતી કે સામેની વ્યક્તિ છેતરાઈ જાય અને આમ જ ગૌરીના પિતા પણ છેતરાઈ ગયા.
સોહનનું વ્યક્તિત્વ અને મનોજ અંકલની પ્રતિષ્ઠાથી ગૌરીના પિતાજી એટલા પ્રભાવિત થઈ ગયા કે આ લોકો વિશે વધુ જાણકારી મેળવવાનું વિચાર્યું જ નહીં. મનોજ અંકલ અને સીમા આંટી પણ વિના દહેજે તાત્કાલિક લગ્ન કરી વહુને પોતાના ઘરે લઈ આવ્યા.
સત્ય કેટલા દિવસ છુપાતું રહે અને કેવી રીતે? માત્ર મહિનામાં જ ગૌરીને સોહનની તમામ સચ્ચાઈ વિશે માહિતી મળી ગઈ. સોહન ફક્ત કહેવા માટે જ કોન્ટ્રાક્ટર હતો અને વધારામાં અભણ. બીજી તરફ નાનકડા ગામની રહેવાસી એવી ગૌરીએ દૂરના શહેરમાં જઈને એમ.એ.ની ડિગ્રી મેળવી લીધી હતી. તે પણ દેખાવે ખૂબ સુંદર હતી અને સાથે સંસ્કારી પણ ખરી.
ગૌરી હવે જાણી ગઈ હતી કે આ લગ્નમાં તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે, પરંતુ પોતાનાં મા-બાપને કહે કેવી રીતે? જ્યારે પણ ફોન પર તેમની સાથે વાતચીત થતી હતી ત્યારે ઘરનું કોઈ ને કોઈ સભ્ય સામે જરૂર હાજર રહેતું.
સીમા આંટીએ પોતાની ચાલાકીની જાળ બિછાવવી શરૂ કરી. તેઓ પોતાની ઘરની વહુ વિશે તમામ લોકોને સારી-સારી વાતો કરતા, તેનાં વખાણ કરતાં થાકતાં ન હતાં. વહુના ગુણોના તો મોંફાટ વખાણ કરતાં. મનોજ અંકલના પગારમાં જ્યારે વધારો થયો ત્યારે સીમા આંટીએ તેનું શ્રેય પણ પોતાની વહુને જ આપ્યું કે અમારી વહુ એટલી નસીબદાર છે કે તેના ઘરમાં આવતાં જ અમારી આવક વધી ગઈ. સાક્ષાત્ લક્ષ્મી છે અમારી વહુ.
મનોજ અંકલની ભલામણ પર સોહનને એક સારો કોન્ટ્રાક્ટ મળી ગયો. એ પણ વહુનાં જ શુભ પગલાંનું પરિણામ હતું. આ સમયે ખરેખર એક શુભકાર્ય થયું. એ તો હતું મનોજ અંકલની નાની દીકરી પૂજાનાં લગ્ન નક્કી થવા. પૂજા દેખાવમાં અત્યંત સાધારણ અને પૌરુષત્વ વ્યક્તિત્વની માલિકણ હતી. પૂજા ભણેલીગણેલી હતી, પરંતુ સંસ્કારી નહીં.
પૂજાના લગ્ન નક્કી થવા એ એક આશ્ચર્યકારક ઘટના હતી. તેને પતિ એટલો સારો મળ્યો હતો કે ના પૂછો વાત. એન્જિનિયર પિતાનો એકનો એક દીકરો. તે દિલ્લીમાં નોકરી કરતો હતો અને માતાપિતા મુંબઈમાં રહેતાં હતાં. લગ્ન બાદ પૂજાને સાસરીમાં કોઈ તકલીફ હતી નહીં. તેનો પરિવાર બિલકુલ મુક્ત વિચારો ધરાવનાર હતો.
સીમા આંટી સાતમા આસમાને વિહરતા હતા, ‘જુઓ, મારી વહુનાં પગલાં પડતાં જ અમારું નસીબ તો ખરેખર ઊઘડી ગયું. કેટલો સારો જમાઈ મળ્યો. કેટલી ભાગ્યશાળી છે અમારી પૂજા દીકરી.’ સીમા આંટી પોતાના વેવાઈ-વેવાણના ગુણગાન ગાતાં થાકતાં ન હતાં.
સોહન અને ગૌરીનાં લગ્નના ચાર મહિના બાદ જ ખૂબ ધૂમધામથી પૂજાનાં લગ્ન લેવાઈ ગયાં. પૂજા પોતાના પતિ સાથે દિલ્લી ચાલી ગઈ.
પોતાની વહુ અને દીકરીનો ત્રીજનો પ્રથમ તહેવાર આવ્યો. સીમા આંટીએ પણ ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી.
‘અમે તો પૂજાને અહીં જ બોલાવી લઈશું. તેનો પહેલો તહેવાર છે ને. ૮-૧૦ દિવસ અમારી સાથે રહેશે. તેનાં સાસુ-સસરાને પણ આમંત્રણ પાઠવીશું. ૨-૩ દિવસ માટે તેઓ પણ આવી જશે. વેવાઈ-વેવાણને પણ ખુશ રાખવા જરૂરી છે ને?’ આ વાત એક દિવસ પોતાની પડોશણને સીમા આંટી કહી રહ્યા હતા.
‘તો શું ગૌરી પણ પોતાના પિયર જશે? તેનો પણ આ પ્રથમ તહેવાર તો છે?’ પડાશણે ખણખોદ શરૂ કરી.
‘ઘરની વહુ છે. વેવાઈ-વેવાણ આવશે ત્યારે ઘરની વહુની ઘરમાં હાજરી જરૂરી છે. પોતાના પિયરના નાના ગામમાં જઈને એમ પણ વહુ કેવો તહેવાર ઊજવશે?’ સીમા આંટીએ સ્પષ્ટતા કરી.
‘તેનું પણ મન થતું હશે ને પિયરમાં જવાનું?’ પડોશણ સીમા આંટીને ક્યાં છોડનાર હતી.
‘આટલા બધા લોકો ઘરે આવનાર છે, ઘરનું કામ કોણ કરશે?’ આખરે સાચી વાત આંટીની જીભે આવી જ ગઈ.
તહેવાર ફક્ત પોતાની દીકરી માટે જ હતો, વહુને તો ઘરની નોકરાણીનો દરજ્જો મળ્યો હતો. ગૌરીએ પોતાના મનની ઈચ્છાઓને કચડીને મહેમાનોનું સ્વાગત કર્યું. અનેકવિધ વાનગીઓ બનાવી. પોતાની નણંદનાં સાસુ-સસરા અને નણદોઈ અત્યંત ખુશ થઈને પરત ફર્યાં. ગૌરી સમજી ગઈ કે વર્ષભરના તમામ તહેવારો જે તેની માટે પણ પ્રથમ જ તહેવાર હશે, ખુશી મનાવવાને બદલે ઘરના કામકાજમાં જ પૂરા થશે.
પૂજા વધુ ૮ દિવસ ઘરે રોકાઈ. તેની રહેણીકરણી એટલી હદે બદલાઈ ગઈ હતી કે સામેની વ્યક્તિ તેને ઓળખી ન શકે. જીન્સ પેન્ટ, ટૂંકો કુરતો, સ્કર્ટ, ટોપ તેમજ વિવિધ ફેશનના ચપ્પલ તે પહેરતી હતી. મનોજ અંકલ અને આંટી પૂજાની લાઈફસ્ટાઈલને જોઈને ખૂબ જ ખુશ થતાં હતાં.
‘અમારી દીકરીના નસીબ તો જુઓ, તેનાં સાસુ-સસરાએ તેને મનપસંદ જીવવાની અને બધું જ પહેરવા-ઓઢવાની મંજૂરી આપી રાખી છે. તેઓનું કહેવું છે કે છોકરીઓએ પણ નોકરી કરવી જોઈએ. દિલ્લી જતાં જ અમારી પૂજા નોકરી શોધી લેશે.’ સીમા આંટીએ પોતાની પડોશણને કહ્યું.
પડોશણ પણ કહે તો શું કહે? તે તો દરરોજ ગૌરીને માથા પર પાલવ ઓઢીને રસોડામાં જમવાનું બનાવતી જોઈ રહ્યા હતા. સીમા આંટી સ્વયં તો સ્લીવલેસ બ્લાઉઝ પહેરતા હતા, વિવિધ રંગોની લિપસ્ટિક હોઠે લગાવતા હતા, પરંતુ તેમના ઘરની વહુ ફુલસ્લીવ બ્લાઉઝ પહેરીને તથા વગર મેકઅપે રસોડામાં પરસેવામાં નહાતી જોવા મળતી.
સોહન, જે ગૌરીનો પતિ હતો, તે પોતાની કમાણી ઘરબહાર ઉડાવતો હતો. જે પતિ પોતાની પત્નીની કદર કરતો નથી, તેનું માન-સન્માન જાળવતો નથી તે પત્નીનું માન ઘરના બાકીના સભ્યો પણ જાળવતા જ નથી. આવી વ્યક્તિઓની પત્ની ઘરના અન્ય સભ્યોની નજરમાં કેવળ એક નોકરાણી બનીને જ રહી જાય છે.
ગૌરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. જો ઘરની વહુ બનીઠનીને રહે તો પછી પોતાની દીકરી તેની સામે ફીકી પડી ન જાય? આ ઈર્ષાભાવથી સીમા આંટી વહુ ગૌરીને સાજશણગાર સજવા દેતા નહીં. વિપરીત તેની માટે કઢંગા બ્લાઉઝ સિવડાવીને લાવતા, જેથી તે સુંદર અને વ્યવસ્થિત ન દેખાય.
‘અમે તો જુનવાણી વિચારો ધરાવતા લોકો છીએ.’ એમ કહીને સીમા આંટી વહુ ગૌરી પર અંકુશ દબાવીને રાખતા હતા.
ગૌરીએ એક વાર દબાયેલા સ્વરે કહી નાખ્યું કે, ‘પૂજાના તમામ શોખ પૂરા કરવામાં આવે છે અને મને તો નોકરાણી બનાવીને લાવવામાં આવી છે.’
ગૌરી માતા-પિતાને કદી ઘરે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કે પછી ન તો ગૌરીને તેના પિયર મોકલવામાં આવી હતી. પૂજા છ મહિનામાં ચોથીવાર પોતાના પિયરમાં આવી ગઈ હતી. સીમા આંટીનું સોશિયલ વર્ક એટલે કે કિટી પાર્ટી, ક્લબમાં જવું, મહિલા મંડળમાં જવું, પિક્ચર જોવા જવું .

ખૂબ જ વધી ગયું હતું.
વર્ષો વીતી ગયાં અને હવે ગૌરી પણ મા બની ગઈ. તેણે એક નાનકડા વહાલા બાળકને જન્મ આપ્યો.
‘નાનકડા ગામમાં બાળકના જન્મ વખતે તકલીફ પડશે.’ એમ કહીને સીમા આંટીએ ગૌરીને સાસરીમાં જ રોકી લીધી હતી.
‘ગામની સ્ત્રીઓને પણ બાળકો હોય છે. અહીંના જેવી જ સગવડો ત્યાં પણ છે.’ ગૌરીએ પોતાનો પક્ષ રજૂ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેનું સાંભળે કોણ? સોહન તો પોતાની પત્ની ગૌરીનો કદી હતો જ નહીં, તો પછી તેના પક્ષમાં બોલવાની વાત જ ક્યાંથી આવે. આખરે ડિલિવરી સમયે ન તો ગૌરી પોતાના પિયરમાં જઈ શકી કે ન તો તેનાં માતાપિતાને તેની સાસરીમાં આવી બે-ચાર દિવસ રહેવાનું આમંત્રણ મળ્યું.
૪૦ દિવસ સુધી તો ગૌરીને શારીરિક આરામ તો મળી ગયો, પરંતુ તેનું મન ભીતરથી રડતું રહ્યું. ૪૦ દિવસ પૂરા થતાં જ તેના સાસુ સીમા આંટી પુણ્ય કમાવા ૨૦ દિવસની તીર્થયાત્રા પર ચાલી નીકળ્યા. વહુ માટે ૪૦ દિવસનો આરામ તો પૂરતો છે અને ગૌરી વહુ પણ કમર કસીને પાછી પોતાના રોજિંદા કામકાજમાં પરોવાઈ ગઈ.
ભાભીને મદદ કરવા પૂજા આવી ગઈ હતી. તે બાળકને લઈને રૂમમાં સૂઈ રહેતી હતી અને ગૌરી રસોડામાં ઊભીઊભી તેની તમામ ફરમાઈશોને પૂરી કરતી હતી.
‘ભાભી, આજે માલપૂઆ બનાવો’, ‘ભાભી, આજે કચોરી ખાવાનું મન કરી રહ્યું છે.’
ઘરનાં કામોમાં ગૌરી એટલી હદે ડૂબેલી રહેતી હતી કે પોતાના બાળકને સમય પર દૂધ પણ પીવડાવી શકતી ન હતી. તેના શરીરમાં દૂધ પણ સમય જતાં સુકાઈ ગયું, તેને કારણે પૂરતું પોષણ ન મળતા તેનું બાળક પણ સુકાવા લાગ્યું.
૨૦ દિવસ બાદ પરત ફરીને સાસુમાએ વહુને ખૂબ ખરુંખોટું સંભળાવ્યું, ‘કેવી મા છે, બાળકને સમયસર દૂધ પણ ન પીવડાવ્યું. મારા પૌત્રને પાતળો બનાવી દીધો. દીકરાને જોવા માટે પૂજા તો હતી, તારે એવું તો ક્યું કામ બાકી રહી જતું હતું?’
ગૌરી કહે તો શું કહે?
બે મહિના બાદ બાળકનું નામકરણ કરવાનું નક્કી થયું. તમામ સગાંસંબંધીઓ ઘરે આવ્યાં, પૂજાનાં સાસુ-સસરા પણ આવ્યાં. તેમણે ગૌરીને પૂછ્યું, ‘તારાં મા-બાપ આવ્યાં નથી?’
ગૌરીએ જવાબ આપ્યો, ‘બોલાવે તો આવે ને.’
પૂજાના સસરાથી રહેવાયું નહીં. તેમણે મનોજને પૂછ્યું, ‘ગૌરીનાં મા-બાપને ક્યારેય જોયા નથી.’
સીમા આંટીએ ચતુરાઈપૂર્વક જવાબ આપ્યો, ‘એવું છે ને કે એટલા બધા મહેમાનો ઘરે આવી ગયા કે વધુ લોકોનો સમાવેશ કરી શકાય તેટલી ઘરમાં જગ્યા જ રહી નહીં?’
બાળકના નામકરણની વિધિ પર વહુ પોતાની સાસુને ભેટ આપે છે, એવો અમારે ત્યાં રિવાજ છે, સીમા આંટીની જેઠાણીએ આગમાં ઘી નાખતા પોતાનું ઉશ્કેરણીનું કામ શરૂ કર્યું, ‘અરે, તો તમારા માટે કોઈ ભેટ-સોગાદ લાવી જ નહીં. શું શિખવાડીને તેનાં મા-બાપે સાસરીમાં મોકલી છે તેને?’
ગૌરી ક્યાંથી ભેટ ખરીદીને લાવે? તેની પાસે પૈસા જ ક્યાં હતા. તેના પતિ સોહને તેના હાથમાં કદી પૈસા આપ્યા જ ન હતા. વળી સોહનની મા પાસે પણ તેને સારું શિક્ષણ આપવા સમય જ ક્યાં હતો? લગ્નને સવા વર્ષ ઉપર થઈ ગયું હતું. માએ સોહનને કશું જ શિક્ષણ આપ્યું ન હતું અને તેનું પરિણામ ભોગવતી હતી બિચારી ગૌરી.
આ લગ્નમાં તેની અને તેના પરિવારની સાથે છળ-કપટભરી રમત રમવામાં આવી હતી. એવો નઠારો પતિ અને સતત રોકટોકથી તેને દબાવી રાખનાર સાસુ-સસરા મેળવીને તેના ભાગે તો કેવળ ઘરનું ઢગલો કામ અને મહેણાં જ આવ્યાં હતાં.
પૂજાનાં સાસુ-સસરાને મનોજ અંકલ અને સીમા આંટીનું ગૌરી પ્રત્યેનું વર્તન અત્યંત ખરાબ લાગ્યું. પૂજાની સાસુથી પણ કહ્યા વિના રહી શકાયું નહીં. તેઓ ઊભા થઈ ગયા અને કહ્યું, ‘ગૌરીની મા આવી ન શક્યા તો શું થઈ ગયું? હું છું ને, ગૌરી મારી પણ દીકરી છે, સાસુજીને શુકન રૂપે ભેટ હું આપીશ.’ અને પછી તેમણે પોતાની હાથની આંગળીએ પહેરેલી સોનાની વીંટી ઉતારીને થાળીમાં મૂકી દીધી.
હાજર સૌનાં મોં સિવાઈને બંધ થઈ ગયા, સીમા આંટી પણ શરમના માર્યા ચુપ થઈ ગયા. પ્રસંગની ઉજવણી પૂરી થયા બાદ સીમા આંટી પોતાની જેઠાણીને કહી રહ્યા હતા, ‘જુઓ, મારી દીકરીનાં સાસુ-સસરા કેટલા માયાળું છે. આવાં સાસુ-સસરા તો ભાગ્યે જ કોઈને મળે છે. તેમણે તો પરાઈ દીકરીને પણ પોતાની જ દીકરી ગણી લીધી. શું નસીબ મેળવ્યું છે મારી દીકરી પૂજાએ.’
નજીક ઊભેલી પડોશણ મનમાં ને મનમાં વિચારી રહી હતી કે સીમા આંટી એકવાર ફક્ત એકવાર ભૂલથી પણ તમારી ગૌરી વહુના નસીબ પર ધ્યાન તો આપો. આપને ચોક્કસ સમજાઈ જશે કે નસીબદાર કોણ, ગૌરી કે તમારી પૂજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *