દેશમાં રૂનો નવો પાક ઘટી 280 લાખ ગાંસડી અંદાજાયો

દેશમાં રૂ તથા યાર્ન બજાર તેમ જ ટેક્સટાઈલ ક્ષેત્રે સમીકરણો બદલાતા રહ્યા છે તથા હવે બજારોની નજર નવા વર્ષ પર મંડાઈ છે. અગાઉ આપણે રૂની નિકાસ નોંધપાત્ર કરતા હતા પરંતુ હવે પ્રવાહો પલ્ટાતા રહેતાં ઘરઆંગણે દરિયાપારથીી રૂની ઈમ્પોર્ટ વધતી જોવા મળી છે. આ વર્ષે ચોમાસા પર અલનીનોની ઈમ્પેક્ટ પણ દેખાઈ છે તથા વિવિધ કૃષી પાકોના વાવેતર તથા પેદાશમાં ખરીફ મોસમમાં પીછેહટ થયા પછી તાજેતરમાં શરૂ થયેલી રવિ મોસમમાં પણ આવી પરિસ્થિતિ જોવા મળે એવા સંકેતો વહેતા થયા છે. દરમિયાન, ભારત સરકારે તાજેતરમાં દેશમાં થતી ડયુટી-ફ્રી કોટનની ઈમ્પોર્ટ કરવાની છૂટ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે ઘરઆંગણે રૂની ઈમ્પોર્ટને વેગ મળશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૨૬-૨૭ની રૂ મોસમ (ઓકટોબરથી સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં રૂની ઈમ્પોર્ટ વધી ૭૦થી ૭૫ લાખ ગાંસડી (૧૭૦ કિલોની) થવાની શક્યતા જાણકારો દર્શાવતા હતા. ભારતમાં ૨૦૨૪-૨૫ની રૂ મોસમમાં રૂની ઈમ્પોર્ટ ૪૧ લાખ ગાંસડી થયા પછી ૨૦૨૫-૨૬ની મોસમમાં આવી આયાત વધી ૭૧ લાખ ગાંસડી થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. હવે ૨૦૨૬-૨૭ની નવી મોસમમાં આ આંકડો કદાચ ઉંચામાં ૭૫ લાખ ગાંસડી સુધી પહોંચી જવાની ગણતરી બજારમાં બતાવાતી થઈ છે.
ભારતમાં સારી ગુણવત્તાવાળા રૂની ડયુટી-ફ્રી આયાત વધતાં તથા આ રૂમાંથી બનતા કાપડ ઉત્પાદનોની દરિયાપાર નિકાસ કરાતાં વિશ્વ બજારમાં ભારતના આવા કાપડ ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધવાની ગણતરી ટેક્સટાઈલ ક્ષેત્રના સૂત્રોએ દર્શાવી હતી. વિશ્વ બજારમાં કાપડ ઉત્પાદનોની બજારમાં ભારત સામે તાજેતરના વર્ષોમાં બંગલાદેશ તથા ચીનની હરિફાઈ વધી છે. જો કે ભારતે ડયુટી-ફ્રી કોટન ઈમ્પોર્ટની વધુ છૂટ આપતાં વિશ્વ બજારમાં કોટનના ભાવ પર પોઝીટીવ ઈમ્પેકટ દેખાયાના સમાચાર પણ મળ્યા હતા.ભારતમાં ડયુટી ફ્રી કોટનની ઈંમ્પોર્ટની મંજૂરીનો સમય ૩૧મી ઓકટોબરે પૂરો થતો હતો અને હવે આ સમય લંબાવાતા દેશમાં કોટનની ડયુટી-ફ્રી ઈમ્પોર્ટ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી કરી શકાશે એવું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા. આવી આયાત છૂટને ટેક્સટાઈલ ઉદ્યોગે તથા ગારમેન્ટ ઉદ્યોગે આવકાર આપ્યો છે. દરમિયાન, ડયુટી-ફ્રી ઈમ્પોર્ટની મુદત લંબાવાતાં ઘરઆંગણે રૂ બજારમાં પ્રથમ તબક્કે ભાવમાં ખાંડીદીઠ (૩૫૬ કિલો) રૂ.૪૦૦થી ૫૦૦નો ઘટાડો નોંધાયાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા. આ દરમિયાન કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૨૦૨૫-૨૬ના પાકના માલોના ભાવ ખાંડીદીઠ રૂ.૪૦૦ ઘટાડયા હોવાનું રૂ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
ભારતમાં ૨૦૨૬-૨૭ની મોસમમાં રૂનો પાક ૨૮૦ લાખ ગાંસડીથી ઓછો આવવાનો અંદાજ બતાવાઈ રહ્યો છે. દેશમાં રૂની વાર્ષિક માગ સરેરાશ ૩૪૦થી ૩૬૦ લાખ ગાંસડી રહેતી હોય છે. દેશમાં રૂનો સ્ટોક ઘટી તાજેતરમાં પાંચ વર્ષના તળિયે ઉતર્યો હતો. દેશમાં વાર્ષિક ધોરણે ગણતાં રૂના બજાર ભાવ ૩૦થી ૩૫ ટકા વધ્યા છે. ભારતમાં ડયુટી-ફ્રી ઈમ્પોર્ટની છૂટ લંબાવાતા બ્રાઝીલ તથા અમેરિકાથી રૂની આયાત વધવાની શક્યતા જાણકારો બતાવતા હતા. આવા આયાતી રૂની ઈમ્પોર્ટ કોસ્ટ ખાંડી દીઠ રૂ.૬૭ હજાર આસપાસની મનાઈ રહી હતી, જો કે સરકારે ડયુટી-ફ્રી કોટનની ઈંમ્પોર્ટની છૂટ લંબાવતા એક તરફ ગારમેન્ટ તથા ટેક્સટાઈલ ઉદ્યોગ રાજી થયો છે ત્યારે બીજી તરફ રૂ ઉગાડતા ખેડૂતોમાં આ પ્રશ્ને નારાજગી પણ જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *