દિવાળી ટાણે બજારોમાં ભીડ પણ મોંઘવારીએ છીનવી ખરીદશક્તિ

તહેવારો નજીક આવતા જ અમદાવાદના પૂર્વ વિસ્તારનું બાપુનગર માર્કેટ ખીચોખીચ ભરાઈ ગયું છે. ભદ્ર પછી શહેરનું બીજું સૌથી મોટું માર્કેટ ગણાતા બાપુનગરમાં ખરીદારોનું ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પૂર્વ અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર શહેરમાંથી હજારો લોકો અહીં ઉમટી રહ્યા છે. બપોર બાદ બજારમાં પગ મૂકવાની જગ્યા નથી રહેતી, જેના કારણે સાંજના સમયે ટ્રાફિક જામ અને સુરક્ષાને ધ્યાને રાખીને મુખ્ય માર્ગ પર વાહનોની એન્ટ્રી બંધ કરી દેવાની ફરજ પડે છે. પરંતુ, બજારના આ ચળકતા માહોલ અને ભીડ પાછળ એક એવું કડવું સત્ય છુપાયેલું છે, જે વેપારીઓ અને સામાન્ય જનતા બંનેની ચિંતા વધારી રહ્યું છે.

બજારમાં માનવસાગર ઉમટ્યો હોય તેવું ચોક્કસ દેખાય છે, પરંતુ જમીની હકીકત એ છે કે આજની આ ભીડમાં દરેક વ્યક્તિ ગ્રાહક નથી. ચારેબાજુ ફુગાવા અને મોંઘવારીનો એવો માર છે કે સામાન્ય માણસની ખિસ્સાની તાકાત ઘટી ગઈ છે. લોકો બજારમાં આંટા મારવા અને ભાવતાલ કરવા આવે છે ખરા, પણ મોંઘવારીના કારણે તેઓ પોતાની અંગત ઈચ્છાઓ અને જરૂરિયાતોને મારીને માત્ર ‘ખપ પૂરતી’ જ ખરીદી કરી રહ્યા છે.

આ દિવાળીની ખરીદીમાં સૌથી મોંઘો ભાવ જો કોઈ ચૂકવતું હોય, તો તે મધ્યમ વર્ગના લોકો છે. મોંઘવારીના લીધે પોતાના માટે કપડાં કે ઘરની ચીજવસ્તુઓ લેવાનું ટાળતા કે મોકૂફ રાખતા વાલીઓ, પોતાની આંખો સામે બાળકોના ચહેરા પર ખુશી જોવા માટે બજેટ ન હોવા છતાં પણ બાળકો માટે ખરીદી કરી રહ્યા છે. “બાળકો જીદ ન કરે અને તેમની દિવાળી ફીકી ન પડે” તેટલી જ લાચારી અને મજબૂરી સાથે લોકો નાની-મોટી વસ્તુઓ ખરીદતા નજરે પડે છે. પરિણામે, દુકાનો પર ભીડ તો ભારે છે, પણ ગલ્લામાં થતી આવક અપેક્ષા કરતાં ઘણી ઓછી છે.

આ બધી મુશ્કેલીઓની વચ્ચે સ્થાનિક તંત્ર અને ટ્રાફિક પોલીસનું અસંતુલિત સંચાલન લોકો માટે વધુ કાળઝાળ સાબિત થઈ રહ્યું છે. સાંજના સમયે મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બંધ કરી દેવાયા બાદ આસપાસના વૈકલ્પિક રસ્તાઓ અને ચોકડીઓ પર ટ્રાફિકનું ભારણ અસહ્ય વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *