જંગલોમાં જળસંકટની ભીતિ વન્યપ્રાણીઓ સામે જીવનું જોખમ, નદી-નાળા ખાલીખમ

જંગલોમાં જળસંકટની ભીતિ વન્યપ્રાણીઓ સામે જીવનું જોખમ, નદી-નાળા ખાલીખમ

વિશ્વપ્રસિદ્ધ સાસણ ગીર અભ્યારણ્યમાં નવું જંગલ સફારી સત્ર શરૂ થતાં જ એક ચિંતાજનક અને કરુણ ચિત્ર સામે આવ્યું છે. સામાન્ય રીતે ચોમાસા બાદ ગીરનું જંગલ બળબળ વહેતી નદીઓ, નાળાઓ અને સભર ઝરણાંઓથી લહેરાતું હોય છે, પરંતુ આ વખતે ‘અલનીનો’ની માળખાગત અસરોના કારણે જંગલમાં નહીંવત્ વરસાદ નોંધાયો છે. પરિણામે, જંગલના મોટાભાગના કુદરતી જળસ્રોતો સૂકાભઠ્ઠ થઈ ગયા છે અને માત્ર કહેવા પૂરતા પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે.

આ વખતે જંગલના એક પણ નાળા કે નદીમાં પાણી પસાર થઈ રહ્યું નથી. માત્ર એકાદ-બે વરસાદી રાઉન્ડ આવવાને કારણે માત્ર ખાબોચિયા જ ભરાયા છે. સામાન્ય રીતે જંગલ ક્યારેય વાંજણું રહેતું નથી તેવી લોકમુખે કહેવત છે, પરંતુ આ વર્ષે ખુદ જંગલ જ પાણી વગર તરસ્યું રહી ગયું છે. રસ્તાઓ પર પાણી વહેવાને બદલે માત્ર ધૂળ અને પથ્થર દેખાઈ રહ્યા છે. ચોમાસું પૂરું થતાં જ જંગલની આવી સ્થિતિ જોઈ સફારી માટે આવતા પ્રવાસીઓ પણ ચિંતાતુર બની ગયા છે.

આવનારા એક-બે મહિનામાં જંગલમાં પીવાનું પાણીની વિકટ સમસ્યા સર્જાવાની પૂરી શક્યતા છે. સૂકાઈ રહેલા ખાબોચિયાનું ગંદુ પાણી પીવાથી વનપ્રાણીઓમાં ચેપી રોગચાળો ફેલાવાની શક્યતા નકારી શકાતી નથી.

દર વખતે ઉનાળાની શરૂઆતમાં જંગલમાં કૃત્રિમ પાણીના પોઇન્ટ્સ (તળાવડી/અવાડા) ભરવાની કામગીરી થતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસું પૂરું થાતની સાથે જ અને દિવાળી આસપાસ જ કૃત્રિમ પોઇન્ટ્સ ભરવા પડે એવી નોબત આવી પડી છે. વનવિભાગે યુદ્ધના ધોરણે એક્ઝેશન પ્લાન અમલમાં મુકવો પડે તેવી સ્થિતિ છે. જંગલના અંદરના વિસ્તારોમાં આવેલ તમામ કૃત્રિમ અવાડાઓ સોલાર બોરવેલ અને ટેન્કરો દ્વારા સતત ભરેલા રાખવામાં આવે, પાણી વિના અશક્ત બનેલા વનજીવોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ તહેનાત કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

જળસ્રોતો સૂકાઈ જતાં એશિયાટીક સિંહ, ચિત્તલ, સાબર અને દીપડા જેવા વનજીવો પાણીની શોધમાં જંગલની બહાર રેવન્યુ વિસ્તાર કે માનવ વસાહતો તરફ પ્રયાણ કરશે. પાણી માટે ગામડાઓ તરફ આવતા તૃણાભક્ષી અને હિંસક પ્રાણીઓના કારણે માનવ-પ્રાણી વચ્ચે સંઘર્ષ વધવાની અને અકસ્માતોની ઘટનાઓમાં વધારો થવાની ભીતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...