હું 23 વર્ષની છું. મને મારી જ ઉંમરના એક યુવક સાથે પ્રેમ હતો. અમે એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા, પરંતુ મારા પરિવારજનોને આ વાતની ખબર પડી તો તેમણે મને સમજાવ્યુ કે આ યુવક મારા માટે યોગ્ય નથી અને તેની સાથે મારા લગ્ન થઈ શકે તેમ નથી તેમની વાત મારે ગળે ઉતરી ગઈ અને હવે હું તેની સાથે સંબંધ રાખવા માગતી નથી. પરંતુ એ યુવક મારો પીછો છોડવા તૈયાર નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (વડોદરા)
તમને એ યુવકમાં હવે રસ નથી એ વાત શું તમે તેની સમક્ષની સ્પષ્ટ કરી છે? જો તમે તેની સમક્ષ તમારા મનની આ વાત સ્પષ્ટ કરી હોવા છતા તે તમારો પીછો છોડતો હોય નહીં તો તમારે તમારા પરિવારજનોની મદદ લેવાની જરૂર છે. આ ઉપરાંત તેને મળવાનું બંધ કરી દો. તમને તેમનામાં રસ છે એવો તેને કોઈ પણ પ્રકારનો સંકેત મળે નહીં એ વાતનું ધ્યાન રાખો.
હું ૨૫ વરસની છું. હું તીખી કે ખાટી વસ્તુઓ ખાઉ ચું ત્યારે મારા શરીર પર રેશીષ પડી જાય છે અને ખંજવાળ આવે છે. મને એલર્જી હોવાનું ડોક્ટરોનું કહેવું છે. આ માટે મેં હોેમિયોપથી સહિત ઘણા પ્રકારની સારવાર લીધી છે. પરંતુ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એકય યુવતી (ગાંધીનગર)
આ વસ્તુની તમને એલર્જી હોવાની વાત સ્પષ્ટ છે. આથી થોડા સમય માટે તમે તમારા આહારમાંથી આ વસ્તુઓનો ત્યાગ કરો એમા જ તમારી ભલાઈ છે.આમ છતાં પણ આ રેશીષ દૂર થાય નહીં તો કોઈ સારા ત્વાચા રોગ, નિષ્ણાતની સલાહ લઈ ઉપચાર કરો. ડોક્ટર એલર્જી ટેસ્ટ તેમ જ બ્લડ ટેસ્ટ દ્વારા આનું કારણ જાણી યોગ્ય સલાહ આપશે. આથી સમય નહીં ગુમાવતા તમે ડોક્ટરની સલાહ લો. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય સારવારથી બધુ ઠીક થઈ જશે.
હું ૩૦ વરસનો છું. મારા વાળ ખૂબ જ ઝડપથી ઉતરી રહ્યા છે. ટૂંક સમયમાં જ મને ટાલ પડી જશે એનો મને ડર લાગે છે. મારા પિતાને પણ ટાલ છે. મને ખોડોની સમસ્યા છે. શું મારે હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે?
એક ભાઈ (મુંબઈ)
ખોડોને આ સાથે કંઈ લાગતું વળગતું નથી. આ સમસ્યા વારસાગત હોય એમ લાગે છે. ડૉક્ટરની સલાહ મુજબ તેનો ઇલાજ થઈ શકશે. જોકે હેર ટ્રાન્સપ્લાન્ટ પણ એક પધ્ધતિ છે. જે તમારી સમસ્યા દૂર કરી શકે છે. પરંતુ એ માટે તમારે લાંબો વિચાર કરવાની જરૂર છે. શું તમે આને માટે તૈયાર છો? આ ઉપરાંત તમારે એ માટે કોઈ અનુભવી નિષ્ણાતનો જ સંપર્ક કરવો એવી મારી સલાહ છે. તમે કોઈ હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા કોઈ કોસ્મેટિક સર્જનની સલાહ લઈ શકો છો. ખોડોનો પ્રશ્ન છે તો નિયમિત શેમ્પુ કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.
મારી પ્રત્યેના બીજા લોકોના અભિપ્રાય બાબતે હું ઘણી સંવેદનશીલ છું. લોકો મારી ટીકા કરે એ હું સહન કરી શકતી નથી. આ કારણે મને ઘણું દુ:ખ થાય છે. મારા કામના વખાણ થાય નહીં તો હું કામ કરી શકતી નથી આ સમસ્યા દૂર કરવા માટે શું કરવું જોઈએ એની સલાહ આપવા વિનંતી.
એક બહેન (અમદાવાદ)
કોને વખાણ ગમતા નથી? વખાણ સાંભળી ખુશ થવું એ જન્મજાત છે. પરંતુ એના સિવાય કામ થઈ શકે નહીં ત્યારે સમસ્યા ઊભી થાય છે. લોકો ટીકા કરે ત્યારે ડિપ્રેશ થઈ જવું એ આદત પણ જોખમી છે. તમે દરેકને ખુશ રાખી શકતા નથી. એ સત્ય તમારે ગળે ઉતરવાની જરૂર છે. તમે ૫૦ ટકા લોકોને ખુશ કરી શકો તો પણ ઘણું છે. ટીકા પચાવતા શીખી જાય. આમ કરવામાં સફળતા મળશે તો તમે ટીકાને સકારાત્મક રીતે લઈ તમારું કામ સુધારી શકશો. બીજાના અભિપ્રાયને બદલે તમારે તમારી જાત પર વિશ્વાસ રાખવાની જરૂર છે.
હું ૨૧ વર્ષનો વિદ્યાર્થી છું. છેલ્લા બે વરસથી મને પીઠનો દુ:ખાવો રહે છે. ડૉક્ટરે મને વ્યાયામની સલાહ આપી છે. તેમજ કેટલીક દવાઓ આપી છે. પરંતુ એનાથી ફાયદો થતો નથી. રાતને સમયે દુ:ખાવો ઘણો વધી જાય છે. લાંબા સમય સુધી ચાલવાથી કે બેસી રહેવાથી તકલીફ વધી જાય છે. યોગ્ય સલાહ આપશો.
એક યુવક (ગુજરાત)
બેસવાની પદ્ધતિ અયોગ્ય હોવાને કારણે આ સમસ્યા થાય છે. વ્યાયામના અભાવ તેમજ બેસવાની અયોગ્ય પદ્ધતિને કારણે સાંધા જકડાઈ જાય છે અને સ્નાયુઓની લવચિકતા ઘટી જાય છે. તમારે સંપૂર્ણ તબીબી તપાસની જરૂર છે. આથી કોઈ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવાની જરૂર છે. તમારી ઉંમર જોતા ટેસ્ટનો રિપોર્ટ નોર્મલ આવે એવી શક્યતા છે. આ કિસ્સામાં યોગ કલાસમાં નામ નોંધાવવાથી ફાયદો થશે.
