ગુટખા ખાવાનું મોંઘું પડ્યું, 4 વર્ષના બાળકનું અપહરણ

મહેસાણા રેલવે સ્ટેશન પર રાજસ્થાન જવા ટ્રેનની રાહ જોતી મહિલાના ત્રણ વર્ષીય બાળકને નાસ્તો કરાવવાના બહાને અજાણ્યો શખસ લઇ ગયા બાદ પરત નહીં આવતાં મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખસ સામે બાળકના અપહરણનો ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે જુદીજુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરવા સાથે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. મૂળ કર્ણાટકના હુબલી ધારવાડ-સોનુર ગામની રેશમાબેન રામસિંગ મારવાડી (ઉ.વ. 40) હાલ રહે.બાપુ હોટલ, ગોમતીપુર, પ્રિતિબેન બિહારીની હોટલમાં, અમદાવાદ મૂળ રહે. છોટા લોટીવાડા તા.શિવગંજ, જિ.શિરોહી, રાજસ્થાન)એ મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, તેણીને આશરે આઠેક વર્ષ અગાઉ તેના પરિવારજનોથી રિસાઈને મુંબઈ ખાતે ગઈ હતી. જ્યાં જુદાજુદા રેલવે સ્ટેશનો પર ભીખ માંગી પોતાનું ગુજરાત ચલાવતી હતી.

ત્યારે લોકડાઉનના સમયમાં તેણી અમદાવાદ આવી હતી અને ત્યાં કાલુપુર મોતીમહેલ હોટલ સામે આવેલી બાપુ હોટલમાં જમવા જતી હતી. જ્યાં તેણીનો પરિચય રામસિંહ મારવાડી સાથે થયા બાદ સાથે રહેતાં હતા અને તેણીની રામસિંહના ગામ છોટા લોટીવાડા, તા.શિવગંજ, રાજસ્થાન ખાતે પ્રસંગોપાત અવરજવર રહેતી હતી. દરમિયાનમાં ફરિયાદી રેશમાબેન રામસિંહ મારવાડી બે બાળકની માતા બની હતી. જેમાં સૌથી મોટો પુત્ર રાહુલ (ઉવ.03) અને બે વર્ષની પુત્રી સોનાનો સમાવેશ થાય છે. ફરિયાદી અને રામસિંહ વચ્ચે અવારનવાર તકરાર થતાં પતિ રામસિંહ ફરિયાદીને છોડીને જતો રહ્યો હતો. તેણી છેલ્લા દોઢ વર્ષથી બાપુ હોટલ પાસે ફૂટપાથ પર રહીને બાળકોનો ઉછેર કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના બીજા દિવસે સોમવારે સવારે આશરે 6 વાગ્યાના સુમારે ફરિયાદી રેશમાબેન પોતાના બંને બાળકો સાથે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી જનરલ કોચમાં બેસીને પતિના વતન લોટીવાડા, રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા. ટ્રેનમાં ઊંઘી ગયા બાદ મહેસાણા રેલવે સ્ટેશન આવતા તેણી જાગી જતાં આ ટ્રેન પાટણ તરફથી જોધપુર તરફ જતી હોવાનું જણાયું હતું. જ્યારે તેણીને સિરોહી તરફ જવાનું હોવાથી તેઓ બંને બાળકો સાથે મહેસાણા સ્ટેશન પર ઊતરી ગયા હતા. તેઓ પ્લેટફોર્મ નંબર 4/5 ઉપર સ્ટોલ પાસે બેઠા હતા.

જ્યાં ફરિયાદીને ગુટખા ખાવાની આદત હોવાથી તેણીએ નજીકમાં બેઠેલા 25 થી 30 વર્ષના એક અજાણ્યા યુવક પાસેથી ગુટખાની બે પડીકી લઈને ખાધી હતી. ત્યારબાદ તે અજાણ્યો યુવક ફરિયાદીના બાળકોને રમાડવા લાગ્યો હતો અને આસપાસના સ્ટોલ પરથી બાળકોને ચા-પાણી તથા નાસ્તો કરાવતો હોઈ રેશમાબેનને તેના પર વિશ્વાસ બેસી ગયો હતો. સાંજે આશરે પાંચ વાગ્યાના અરસામાં ત્રણ વર્ષીય રાહુલને ભૂખ લાગતા અજાણ્યો શખસ પુત્ર રાહુલને નાસ્તો કરાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. એક કલાક પસાર થવા છતાં અજાણ્યો શખસ પુત્ર રાહુલને લઈને પરત આવ્યો ન હતો. તેથી ફરિયાદીએ રેલવે સ્ટેશન પર પુત્રની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી.

જો કે, ફરિયાદીને તેના પુત્રને અજાણ્યો શખસ નજીકના પોલીસ સ્ટેશન ખાતે મૂકી ગયો હશે તેમ માનીને તેણી ટ્રેનમાં બેસીને આબુરોડ સ્ટેશન પર જઈ તપાસ કરી હતી. જો કે, ત્યાં પણ તેણીને નિરાશા મળી હતી. ત્યારબાદ તેણીએ મહેસાણા, અમદાવાદ, પાલનપુર વગેરે રેલવે સ્ટેશન વિસ્તારોમાં પુત્ર રાહુલની શોધખોળ કરી હતી. તેમ છતાં પણ પુત્ર રાહુલ નહીં મળતાં આખરે હારીથાકીને પોતાના વાલીપણામાંથી પુત્રનું અપહરણ થયાની અજાણ્યા શખસ વિરુદ્ધ મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

બાળકના અપહરણ અંગે તપાસનીશ પી.આઈ.જે.જી. દેસાઈએ જણાવ્યું કે, બાળકનું અપહરણ કરી લઇ જનાર શખસને પકડી પાડવા રેલવે સ્ટેશન અને આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે બાતમીદારોની પૂછપરછ કરાઈ રહી છે. જુદી જુદી ટીમો બનાવી બાળકને શોધવા અલગઅલગ વિસ્તારોમાં મોકલવામાં આવી છે.

મહેસાણા રેલવે સ્ટેશનથી પુત્ર રાહુલ ગુમ થતાં માતા રેશમાબેનએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ બાળકને લઇ જનાર યુવકની ઉંમર આશરે 25 થી 30 વર્ષની છે, તેના વાળ કાળા અને આશરે ત્રણ ઇંચ લાંબા છે. તે હિન્દી ભાષા બોલે છે અને તેણે કાળા રંગ પર સફેદ ફૂલની ભાતવાળો શર્ટ તથા આસમાની રંગનું જીન્સ પેન્ટ પહેર્યું હતું, જ્યારે પગમાં ચપ્પલ પહેર્યા ન હતા. પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કરી અપહૃત બાળકની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *