દુકાન ભાડે આપવા બદલ માલિકો અને ભાડુઆત સામે ગુનો દાખલ

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં અશાંતધારા (ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ) ના નિયમોનો સરેઆમ ભંગ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાળાનાળા સ્થિત કાર્લટન સ્ક્વેર બિલ્ડિંગની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર ૬ ને સરકારની પૂર્વ મંજૂરી વિના ભાડે આપી દેવા બદલ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં મિલકત માલિકો અને ભાડુઆત વિરૃદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગર શહેરના સીટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કિશનકુમાર ભુપતરાય ચાંદલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ભાવનગરના કાળાનાળા વિસ્તારના વોર્ડ નં.૭ ને સરકારે અશાંત વિસ્તાર જાહેર કરેલો છે. આ વિસ્તારમાં કોઈપણ મિલકતની ખરીદ-વેચાણ કે તેને ભાડે આપતા પહેલાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને નાયબ કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવી કાયદાકીય રીતે ફરજિયાત છે.

તેમ છતાં, મિલકતના માલિકો હરેશ મેપાભાઈ ચાવડા અને જાલાભાઈ વિભાભાઇ ડાભલાએ નિયમોને નેવે મૂકીને, ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ રૃ. ૧૦૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝડ ભાડાખત બનાવી દીધું હતું. તેમણે વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી લીધા વિના જ આ દુકાનનો કબજો ભાડુઆત મોહસીનભાઈ કાસમભાઈ પરમારને સોંપી દીધો હતો.

આ ગેરકાયદેસર વ્યવહાર અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકના પત્રોના આધારે થયેલી તપાસમાં અશાંતધારાનો ભંગ થયો હોવાનું ફલિત થયું હતું. જેના પગલે મામલતદાર દ્વારા મિલકત માલિકો અને ભાડુઆત સામે ‘ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમમુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેકશન ઓફ ટેનેટ્સ ફ્રોમ એવીકશન ફ્રોમ પ્રિમાઇસીસ ઇન ડીસ્ટર્બ એરીયા એક્ટ, ૧૯૯૧’ ની કલમ-૪, ૫ અને ૬(ડી) હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આ મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વિક્રમસિંહ ચંદુભા જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...