અમદાવાદના અમરાઈવાડી મહાલક્ષ્મીનગરના ગેટ આગળ જાહેરમાં બોલાચાલી અને મારામારી થયા બાદ 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. મારામારીમાં ઇન્ટરનલ ઇન્જરી થવાના કારણે યુવકનું સવારે મોત નીપજ્યું હતું. જોગમાયાનગરમાં રહેતો યુવક અને તેના મિત્ર સાથે થયેલી ઝપાઝપીમાં અક્ષય નીચે પટકાયો હતો, ત્યારબાદ ઘરે પહોંચેલા યુવકને વહેલી સવારે લોહીની ઊલટીઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે મૃતકની બહેનની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે મારા મારી કરનાર બે સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) વહેલી સવારે અક્ષયને અચાનક લોહીની ઊલટીઓ થવા લાગી હતી. જેથી તેના મિત્ર નયને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો અને સવારે વટવા ખાતે રહેતી અક્ષયની બહેન તુલસીને જાણ કરી હતી. તુલસીબહેન અને તેમના પતિ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તબીબોએ અક્ષયની ગંભીર હાલત જોઈ તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. જોકે, 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ અક્ષયનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પરેશ અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
