અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મકરબાનો ઓવરબ્રીજ બનાવ્યો ત્યારથી મુશ્કેલીઓ ઓછી નથી થઇ રહી અને તેવામાં ઓવરબ્રીજ નીચે આવેલા રેલવે ફાટકને પણ કાયમી ધોરણે બંધ કરવામાં આવતા ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી હતી. જેથી સ્થાનિક રાજકારણીઓ અને રેલવે વિભાગે લોકોના રોષનો ભોગ બનવું પડયુ હતું. છેવટે તંત્રએ ભુલ સુધારીને રેલવે ફાટકને ફરીથી શરૂ કરતા હજારો વાહનચાલકોએ રાહત અનુભવી હતી. ત્યારે વેજલપુર રેલવે ક્રોસીંગ પર બની રહેલા ઓવરબ્રીજને શરૃ કરવાની સાથે ત્યાંનું ક્રોસીંગ બંધ ન થાય તે માટે અત્યારથી નિર્ણય જાહેર કરવા માટે સ્થાનિક લોકોએ તંત્રને તાકીદ કરી છે.
અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતો ઓવરબ્રીજ તેની વિવિદાસ્પદ ડિઝાઇન અને તંત્રના અણધડ વહીટવને કારણે ટ્રાફિકની સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી છે. બીજી તરફ ઓવરબ્રીજ શરૂ થતા રેલવેએ સ્થાનિક લોકોએ સેટેલાઇટ, પ્રહલાદનગર અને વેજલપુર તરફ જવા માટેના રસ્તા સાથે જોડતુ રેલવે ક્રોસીંગ બંધ કરતા મકરબા અને વેજલપુર વિસ્તારમાં રહેતા હજારો પરિવારની સ્થિતિ દયાજનક બની હતી અને મકરબા અંડરબ્રીજ પર ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી હતી. ત્યારે આ અંગે સ્થાનિક નેતાઓને રજૂઆત કરી ત્યારે તે તંત્રના બચાવમાં આવી ગયા હતા અને દાવો કર્યો હતો કે અમદાવાદને ફાટક ફ્રી બનાવવા માટે રેલવે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. જેથી રેલવે ક્રોસીંગ શરૂ થવાની શક્યતા નથી. તેમના આ નિવેદનના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની જીદના કારણે ટ્રાફિકની સ્થિતિ પણ વણસતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરમિયાનગીરી કરીને રેલવે વિભાગના અધિકારીઓને સાચી સ્થિતિ અંગે જાણ કરી હતી અને તેમની રજૂઆત યોગ્ય લાગતા છેવટે મકરબા રેલવે ક્રોસીંગ ફરીથી ખોલવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં સુધારો થવાની સાથે સ્થાનિક લોકોએ પણ રાહત અનુભવી હતી.
જો કે વેજલપુરનો ઓવરબ્રીજ શરૃ થાય ત્યારે ફરીથી આ ભૂલ કરવામાં આવે તેવી શક્યતા છે. જેથી ટ્રાફિક પોલીસે આ અંગે પણ રેલવે વિભાગને એલર્ટ કરીને ક્રોસીંગ બંધ ન કરવા માટે પણ તાકીદ કરી છે. સાથેસાથે વેજલપુરમાં રહેતા લોકોએ પણ સ્થાનિક નેતાઓને પણ અત્યારથી આ બાબતે રજૂઆત કરી છે.
