ઇડર ખાતે સાંસદશ્રી મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઇડર ખાતે સાંસદશ્રી મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવોએ રિબન કાપીને પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાએ આયોજિત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

ઇડર તાલુકામાં મુખ્ય શાકભાજી માર્કેટની પાછળ, આરામગૃહની બાજુમાં શરૂ કરાયેલા આ વેચાણ કેન્દ્ર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરવામાં આવશે. આ કેન્દ્રના માધ્યમથી નાગરિકોને પ્રાકૃતિક રીતે ઉત્પાદિત વિવિધ કૃષિ પેદાશો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી રહેશે.

આ પ્રસંગે સાંસદશ્રી મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે. સ્વસ્થ જીવન અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને તેના ઉત્પાદનોને બજાર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ધારાસભ્યશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટતું નથી. વર્તમાન સમયમાં હૃદયરોગ અને કેન્સર સહિતના વિવિધ રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સ્વસ્થ જીવનશૈલી માટે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું મહત્વ વધ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મહાનુભાવો એ પ્રાકૃતિક ખેત પેદાશના સ્ટોલની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં કુલ 38,397 ખેડૂતો દ્વારા 10,273 હેક્ટર વિસ્તારને પ્રાકૃતિક ખેતી હેઠળ આવરી લેવામાં આવ્યો છે. જિલ્લામાં વર્ષ 2025-26 દરમિયાન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત 38 ક્લસ્ટર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત 138 ક્લસ્ટર મળી કુલ 176 ક્લસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 309 કૃષિ સખીઓ કાર્યરત છે. વર્ષ 2026 દરમિયાન કુલ 67,780 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, બાગાયત અધિકારીશ્રી ડી.એમ. પટેલ, જિલ્લા ખેતી અધિકારીશ્રી, અગ્રણીશ્રી પ્રેમલભાઈ દેસાઈ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *