ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ મમતા બેનરજીનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ તૂટવા લાગ્યો છે. એવા અહેવાલો છે કે ૧૫ જેટલા સાંસદો ટીએમસી છોડી શકે છે. જ્યારે હાલમાં જ ચૂંટાયેલા ધારાસભ્યોમાં અનેક હવે બળવો કરવાની તૈયારીમાં છે. નંદીગ્રામમાં જે પેટા ચૂંટણી યોજાવાની છે તેના માટે ઉમેદવારો શોધવામાં પણ ટીએમસીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  

૧૫ જેટલા સાંસદો ટીએમસી છોડવાની તૈયારીમાં હોવાના અહેવાલો વચ્ચે જ મમતા બેનરજીના નજીકના ગણાતા લોકસભાના સાંસદ કાકોલી ઘોષે રાજીનામુ આપી પણ દીધુ છે. કાકોલીએ તમામ પદો પરથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ વર્ષોથી ટીએમસી સાથે જોડાયેલા રહ્યા અને પક્ષના વરીષ્ઠ નેતામાં સામેલ છે. આ પહેલા તેમને હટાવીને મમતાએ કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપની જવાબદારી સોંપી દીધી હતી ત્યારથી કાકોલી નારાજ જોવા મળી રહ્યા હતા. તે સમયે કાકોલીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હું ચાર દસકાથી ટીએમસી સાથે જોડાયેલી રહી જેનું આ ઇનામ મને મળ્યું છે. 

એવામાં અન્ય સાંસદો પણ હવે કાકોલીની જેમ રાજીનામુ આપવાની તૈયારીમાં હોવાના અહેવાલો છે, પક્ષના આશરે ૧૮ જેટલા ટોચના નેતાઓ છે કે જેઓ મમતા બેનરજી અને ટીએમસીથી નારાજ જોવા મળી રહ્યા છે. આ નેતાઓમાં સુખેંદુ શેખ રોય, દેવ અધિકારી, કલ્યાણ બેનરજી, કુણાલ ઘોષ વગેરેનો સમાવેશ થાય છે. આશરે ૧૫ જેટલા સાંસદો ટીએમસી છોડવાની તૈયારીમાં છે અને તેમાંથી મોટાભાગના ભાજપ તરફ વળે તેવા અહેવાલો છે. બંગાળમાં પ્રથમ વખત ભાજપે સરકાર બનાવી છે જે બાદથી તૃણમુલ કોંગ્રેસ તુટવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૧૦૦થી વધુ કાઉન્સિલરો રાજીનામા આપી ચુક્યા છે. 

આ પરિસ્થિતિ વચ્ચે બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનરજીની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સિલિગુડી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ આ ફરિયાદમાં મમતા બેનરજી સામે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વકીલ રિંકી ચટ્ટોપાધ્યાય દ્વારા દાખલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મમતાએ બે વખત લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદન આપ્યા હતા. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે હાલ આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીનું પદ ગુમાવ્યા બાદ મમતા સામે આ પ્રથમ એફઆઇઆર થઇ છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...