ડ્રાઈવિંગ ટેસ્ટના સ્લોટ માટે અરજદારો વચ્ચે ખેંચતાણ!

ડ્રાઈવિંગ ટેસ્ટના સ્લોટ માટે અરજદારો વચ્ચે ખેંચતાણ!

અત્રેના દરજીપુરા આરટીઓ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) આધારિત ટેસ્ટ ટ્રેક શરૃ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયામાં પારદર્શિતા વધી છે, પરંતુ તેની સાથે અરજદારોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને, ફોર વ્હીલર ટેસ્ટમાં નાપાસ થવાનું પ્રમાણ વધતાં રીપીટ ટેસ્ટ આપનારા અરજદારોની સંખ્યા વધી છે. પરિણામે નવા અરજદારો અને રીપીટ ટેસ્ટ આપનારા અરજદારો બંને માટે ઓનલાઇન સ્લોટ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.

દરજીપુરા આરટીઓ ખાતે નવા અને રીપીટ ટેસ્ટ આપનારા અરજદારો માટે એપોઇન્ટમેન્ટ બૂક કરવાની વ્યવસ્થા એક જ માધ્યમથી થાય છે. રોજ ૧૨૦ સ્લોટ ખોલવામાં આવે છે. એ.આઈ. ટ્રેક કાર્યરત થયો તે પહેલાં ફોર વ્હીલરના રોજના ૮૦ ટેસ્ટ થતા હતા, જ્યારે હવે રોજના ૧૦૦ ટેસ્ટ લેવામાં આવે છે. તેમ છતાં ટેસ્ટમાં નાપાસ થનારા અરજદારોને ફરી પરીક્ષા આપવી પડતી હોવાથી વેઇટિંગ લિસ્ટમાં સતત વધારો થઈ રહ્યો છે.

અગાઉ વડોદરાના અરજદારો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે નજીકના જિલ્લાઓમાં પણ ટેસ્ટ આપવા જતા હતા. જોકે ઓનલાઇન પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ દરજીપુરા આરટીઓ ખાતે જ ટેસ્ટ આપવા માટે આવવું પડતું હોવાથી અરજદારોનો ધસારો વધ્યો છે. નવા અરજદારોની સંખ્યા, ટેસ્ટમાં નાપાસ થયા બાદ ફરી પરીક્ષા આપનારા અરજદારો અને મર્યાદિત સ્લોટના કારણે આરટીઓ કચેરી પર ભારણ વધી રહ્યું છે.

આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ, કેટલાક અરજદારો સ્લોટ બૂક કર્યા બાદ ટેસ્ટ આપવા માટે આવતા નથી. રોજ ૩૦થી ૩૫ સ્લોટનો ઉપયોગ થતો નથી. કોઈ કારણસર અરજદાર ટેસ્ટ આપવા આવી ન શકે તો પણ તેઓ સ્લોટ રદ કરતા નથી.  પરિણામે અન્ય અરજદારો માટે વેઇટિંગ વધે છે. અધિકારીના જણાવ્યા મુજબ સ્લોટની ક્ષમતા મર્યાદિત હોવાથી તમામ અરજદારોને તાત્કાલિક એપોઇન્ટમેન્ટ આપી શકાતી નથી. અરજદારોએ પણ જાગૃત થવું પડશે તેવું એમણે જણાવ્યું છે.

રોજ ૧૨૦ સ્લોટ ખોલવામાં આવે છે, જેમાંથી ૧૧૬ જેટલા અરજદારો એપોઇન્ટમેન્ટ બૂક કરે છે. જોકે વાસ્તવમાં માત્ર ૮૦ જેટલા અરજદારો જ ટેસ્ટ આપવા માટે પહોંચે છે. પરિણામે બાકીના સ્લોટનો ઉપયોગ થતો નથી. નવા અરજદારો પાસે સ્લોટ બૂક કરવા માટે પૂરતો સમય હોય છે. સવારે ૮ વાગ્યે સ્લોટ ખૂલતાં જ એપોઇન્ટમેન્ટ મેળવવાની દોડ શરૃ થઈ જાય છે, ગણતરીના સમયમાં સ્લોટ ફૂલ થઈ જતા એપોઈન્ટમેન્ટની બૂમો ઊઠે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...