ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પ્રતીક સમાન રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ વખતે રક્ષાબંધનની તારીખ અને મુહૂર્તને લઈને કોઈ મૂંઝવણ નથી. વિક્રમ સંવત અને દ્વિક પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉદયકાલીન ત્રિમુહૂર્ત વ્યાપિની હોવાને કારણે 28 ઓગસ્ટે જ બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધશે. શુક્રવારના આ શુભ દિવસે શતભિષા નક્ષત્ર, સુકર્મા યોગ અને મીન રાશિમાં ચંદ્રની સ્થિતિનો અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે, જે જ્યોતિષીય દ્રષ્ટિએ આ પર્વની શુભતામાં વધારો કરે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા કાળમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે, પરંતુ આ વર્ષે બહેનો માટે રાહતના સમાચાર એ છે કે 28 ઓગસ્ટે ભદ્રાનો કોઈ પ્રભાવ રહેશે નહીં. ભદ્રા 27 ઓગસ્ટના રોજ સવારે 9:09 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 9:25 વાગ્યે પૂર્ણ થઈ જશે. આમ, 28 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રાના દૂષણ વગરનો હોવાથી રાખડી બાંધવામાં ભદ્રાની કોઈ બાધા નડશે નહીં.
28 ઓગસ્ટના રોજ જ વર્ષ 2026નું અંતિમ ચંદ્ર ગ્રહણ પણ થઈ રહ્યું છે, જે સવારે 6:53 વાગ્યાથી બપોરે 12:31 વાગ્યા સુધી (કુલ 5 કલાક અને 38 મિનિટ) ચાલશે. જોકે, આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. ભારતમાં ગ્રહણ દેખાવાનું ન હોવાથી તેનો સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. આથી, ગ્રહણને કારણે રાખડી બાંધવાની ધાર્મિક વિધિમાં કોઈ ચિંતા કે અડચણ રાખવાની જરૂર નથી.
રક્ષાબંધને રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશા તરફ રહે તે શુભ માનવામાં આવે છે. પૂજાની થાળીમાં રાખડી, કંકુ, અક્ષત, દીવો અને મીઠાઈ રાખવી. બહેને ભાઈને તિલક કરીને અક્ષત લગાવવા, રાખડી બાંધવી અને મીઠાઈ ખવડાવવી, જ્યારે ભાઈએ બહેનને રક્ષણનું વચન અને ભેટ આપવી. 28 ઓગસ્ટે રાખડી બાંધવાના મુખ્ય શુભ મુહૂર્તો નીચે મુજબ છે.
