વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જાહેર રોડ પર જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી રાહદારીઓના જીવ જોખમમાં મૂકનારી યુવતી અને તેના સાગરીતો સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સુશેન વડસર રોડ પર પાણીની ટાંકી નજીક એક યુવતી પોતાની મોંઘીદાટ રેન્જ રોવર ગાડી જાહેર રોડ પર બેદરકારીપૂર્વક પાર્ક કરીને ઉજવણી કરતી જોવા મળી હતી. ગાડીના બોનેટ પર 3 થી 4 કેક મૂકીને કાપવામાં આવી હતી અને રસ્તા પર જ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો તથા રસ્તો રોકાઈ જતાં ભારે અડચણ ઊભી થઈ હતી.
વાયરલ વિડીયોના આધારે માંજલપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા માલૂમ પડ્યું હતું કે બર્થડે ગર્લ માંજલપુરના શિવમ ફ્લેટ પાસે રહેતી શિવાંગીની પટેલ છે.
પોલીસે જાહેર માર્ગ પર લોકોની જિંદગી જોખમાય તે રીતે વર્તન કરવા બદલ શિવાંગીની પટેલ તથા તેની સાથે હાજર અન્ય ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે.
