નવરાત્રીમાં માતાજીની આરાધના અને શક્તિ ઉપાસનાની સાથે દીકરીઓના સન્માનનો સંદેશ આપતો અનોખો પ્રયોગ સુરતમાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીની આઠમના દિવસે ઘરોમાં કન્યા પૂજન કરીને દીકરીઓને ભોજન કરાવવાની અને ભેટ આપવાની પરંપરા છે, પરંતુ પાલનપોરનીએક રહેણાંક સોસાયટીમાં આ પરંપરાને સામૂહિક ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સોસાયટીની તમામ દીકરીઓને એક સાથે બેસાડીને કંકુ-ચોખા થી પૂજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, માત્ર માતા-પિતાએ જ નહીં, પરંતુ સોસાયટીના અન્ય સભ્યોએ પણ દીકરીઓનું પૂજન કરીને તેમને ભેટ આપી હતી. નવરાત્રી દરમિયાન ધાર્મિક આસ્થાની સાથે દીકરીઓ પ્રત્યે આદર અને સામાજિક એકતાનો સંદેશ આપતી આ પહેલ સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
હાલ નવરાત્રીનો માહોલ જામ્યો છે અને માતાજીના ભક્તો વિવિધ રીતે શક્તિની આરાધના કરી રહ્યા છે, ત્યારે પાલનપોરની રાજહંસ ઓરેન્જ સોસાયટીમાં માતાજીની ભક્તિ સાથે સાથે કન્યાના સન્માન માટે અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય શિક્ષણ મંડળના ઊર્મિન દેસાઈ અને ડૉ.પ્રતિમા શાહના માર્ગદર્શન હેઠળ ‘મેરી બેટી મેરે આંગને’ના વિચાર સાથે નવરાત્રી દરમિયાન કન્યા પુજનના સામુહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓને સન્માન આપવાની સાથે તેમના પ્રત્યે આદરની ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નવરાત્રીમાં કન્યા પૂજનનું ધાર્મિક મહત્વ અનોખું છે. શક્તિના સ્વરૂપ તરીકે કન્યાઓનું પૂજન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. સામાન્ય રીતે પરિવારના સભ્યો પોતાના ઘરે કન્યા પૂજન કરતા હોય છે, પરંતુ આ કાર્યક્રમમાં સોસાયટીની તમામ દીકરીઓને એક સાથે એકત્ર કરીને પૂજન કરવામાં આવ્યું હતું. માતા-પિતા ઉપરાંત સોસાયટીના અન્ય સભ્યોએ પણ કન્યાઓને કંકુ-ચોખા લગાવી પૂજન કર્યું હતું અને ભેટ અર્પણ કરી હતી. આમ, ઘરના આંગણા સુધી સીમિત રહેતી પરંપરાને સમગ્ર સોસાયટીના સહિયારા ઉત્સવમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
‘મેરી બેટી મેરે આંગને’ના વિચાર પાછળ દીકરીઓ ઘરઆંગણે હસતી-રમતી રહે અને તેમને પરિવાર તથા સમાજમાં સન્માન મળે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કન્યા પૂજનના મહત્ત્વને સમજાવવાની સાથે દીકરીઓ પ્રત્યે આદરની ભાવના કેળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. નવરાત્રીમાં પ્રથમ વખત આ પ્રકારનો સામૂહિક કાર્યક્રમ યોજાતા સોસાયટીના સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક પરંપરાને સામાજિક જાગૃતિ સાથે જોડતી આ પહેલ નવરાત્રીમાં શક્તિની આરાધનાની સાથે દીકરીઓના સન્માનને પણ ઉજાગર કરતી બની હતી.
નવરાત્રીમાં શક્તિની આરાધના સાથે દીકરીઓના સન્માનનો સંદેશ આપતી પહેલમાં તેમની સુરક્ષાને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. સામૂહિક કન્યા પૂજનના કાર્યક્રમમાં દીકરીઓને માત્ર પૂજન અને ભેટ દ્વારા સન્માનિત જ કરવામાં આવી નહોતી, પરંતુ તેમને રોજિંદા જીવનમાં સુરક્ષિત રહેવા માટે જરૂરી સાવચેતીઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી. દીકરીઓને બહાર રમવા જતી વખતે કે અન્ય કામે નીકળતી વખતે શક્ય હોય ત્યાં સુધી મિત્રો કે સમૂહ સાથે જવા, સુરક્ષિત અને જાણીતા રસ્તાની પસંદગી કરવા તથા ક્યાં જાય છે તેની જાણ માતા-પિતાને કરવા સમજાવવામાં આવ્યું હતું.
અજાણી વ્યક્તિની લાલચ કે લોભામણી વાતોમાં ન આવવા અને કોઈ અજાણી વ્યક્તિ આપે તે ખાવાની વસ્તુ કે પીણું સ્વીકારતા પહેલા સાવચેતી રાખવા પર ભારમૂકાયો હતો. જો કોઈ વ્યક્તિ અસ્વસ્થતા અનુભવાય તેવું વર્તન કરે, દબાણ લાવે કે અસુરક્ષિત સ્થિતિ ઊભી કરે, તો સ્પષ્ટ રીતે ના પાડવી, ત્યાંથી સુરક્ષિત સ્થળે જવું અને વિશ્વાસુ વડીલ કે માતા-પિતાને તાત્કાલિક જાણ કરવી જોઈએ તેવી સલાહ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દીકરીઓને માત્ર સન્માન આપવું જ નહીં, પરંતુ તેમને સજાગ, સ્વનિર્ભર અને આત્મવિશ્વાસુ બનાવવી પણ એટલી જ જરૂરી છે તેવો પ્રેરણાદાયી સંદેશો આ પહેલ દ્વારા ઉજાગર થયો હતો.
