દશેલા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી હડકાયા વાનરના વધતા આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ વાનરે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. આ હુમલાઓમાં એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડયા છે.
પીડિતોમાં દિનેશભાઈ મહેશભાઈ રબારી (ઉંમર ૪૦)નો સમાવેશ થાય છે.હડકાયા વાંદરાએ તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય એક ઘટનામાં, મંગાભાઈ હેમતાભાઈ ચૌધરી કે જેઓ પોતાના પશુઓને પાણી પીવડાવવા જઈ રહ્યા હતા ત્યારે વાનરે તેમના હાથ પર બચકું ભર્યું હતું.
આ ઉપરાંત, ડો. નિમેશ રણછોડભાઈ ચૌધરીના પત્ની પણ આ હુમલાનો શિકાર બન્યા હતા. તેઓ કપડાં સુકવી રહ્યા હતા ત્યારે વાનરે તેમના પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ સતત બની રહેલા હુમલાઓને કારણે ગામમાં ભય અને ચિંતાનો માહોલ છે.સ્થિતિની ગંભીરતાને જોતા, ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે આ હડકાયા વાનરને પકડવા માટે દશેલા ગામમાં પાંજરું ગોઠવ્યું છે. વન વિભાગની ટીમ વાનરને પકડવા માટે સક્રિય થઈ ગઈ છે અને ગામમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
