જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે..

Latest News કાયદો દેશ રાજકારણ
કેન્દ્ર સરકારે છ મહિના કરતા વધુ સમય પછી રક્ષા મંત્રાલય અને મઝગાંવ ડોકયાર્ડ લિ. (એમડીએલ)ને જર્મન સહયોગી કંપની થિસેન મરીન સીસ્ટમ્સ  (ટીએમએસ) સાથે વાટાઘાટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ કરાર પ્રોજેક્ટ ૭૫ ઈન્ડિયા હેઠળ થશે જેમાં છ અત્યાધુનિક સબમરીનનું ભારતમાં જ નિર્માણ થશે. ઉપરાંત ભારતે બે પરમાણુ સબમરીનના ઉત્પાદનની યોજના પણ બનાવી છે જેમાં ખાનગી ક્ષેત્રની કંપનીનો સહયોગ લેવામાં આવશે.

રક્ષા મંત્રાલયે જાન્યુઆરીમાં જ એમડીએલને આ પરિયોજના માટે જર્મન કંપનીના ભાગીદાર તરીકે નિયુક્ત કરી હતી. હવે કેન્દ્રએ ઉચ્ચ સ્તરીય બેઠક પછી વાટાઘાટો શરૂ કરવાની અનુમતિ આપી છે. આ પ્રક્રિયાની શરૂઆત આ મહિનાના અંત સુધીમાં થવાની અપેક્ષા છે અને રક્ષા મંત્રાલય તેમજ નૌકાદળને આશા છે કે આગામી છ મહિનામાં કરારની વાટાઘાટો પૂર્ણ થશે.

આ કરારનો મુખ્ય હેતુ દેશમાં પારંપરિક સબમરીનની ડીઝાઈન અને નિર્માણની સ્વદેશી ક્ષમતા વિકસીત કરવાનો છે. સરકાર સબમરીન નિર્માણ પ્રક્રિયાને ઝડપી કરવાના ઉપાય પણ શોધી રહી છે. પ્રોજેક્ટ ૭૫ ઈન્ડિયા અંતર્ગત નિર્માણ થનારા આ સબમરીનો ત્રણ અઠવાડિયા સુધી પાણીમાં રહી શકશે, જે ભારતીય નૌસેનાની સમુદ્રી શક્તિમાં મહત્વપૂર્ણ વધારો કરશે.

નૌસેનાની આગામી દાયકા દરમ્યાન દસ જૂની સબમરીનો નિવૃત્ત કરવાની યોજના છે. તેને સમાંતર ભારત બે પરમાણુ આક્રમક સબમરીનના નિર્માણની યોજના પણ બનાવી રહ્યું છે, જેમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) મહત્વની ભૂમિકા નિભાવશે.

ચીની નૌસેનાના ઝડપી આધુનિકીકરણ અને પાકિસ્તાનની વધતી સમુદ્ર ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પારંપરિક અને પરમાણુ બંને પ્રકારની અનેક સબમરીન યોજનાઓને મંજૂરી આપી છે. આ પ્રયાસો દ્વારા ભારત હિંદ મહાસાગરમાં પોતાની નૌસેના શક્તિ અને સામુદ્રી સરસાઈ મજબૂત કરવાની દિશામાં નિર્ણાયક પગલા લઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *