ભારતીય મોબાઈલ કંપનીઓને મળશે સૌથી વધારે ઈન્સેટીવ, દેશી બ્રાન્ડનો દબદબો વધશે

ભારતીય મોબાઈલ કંપનીઓને મળશે સૌથી વધારે ઈન્સેટીવ, દેશી બ્રાન્ડનો દબદબો વધશે

ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વધુ મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે દેશનો દબદબો વધારવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. નવી ‘મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ’ (MPMS) હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂ. 62,500 કરોડ ખર્ચવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ભારતમાં પ્રોડક્ટ્સ એસેમ્બલ કરવાનો નથી, પરંતુ ભારતીય બ્રાન્ડ્સને વધુ પ્રોત્સાહન આપીને ચીનની કંપનીઓ સામે ગ્લોબલ માર્કેટમાં મજબૂત કરવાનો છે.

આ નવી સ્કીમ હેઠળ મોબાઇલ ઉત્પાદન કરતી કંપનીઓને તેમના પ્રોડક્શન પર 2.25%થી 5% સુધીનું નાણાકીય પ્રોત્સાહન (Incentive) આપવામાં આવશે. આમાં ભારતીય બ્રાન્ડ્સને સીધો 5%નો સૌથી વધુ ફાયદો મળશે. જો કોઈ કંપની દેશમાં બનેલા સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરશે તો તેને 1.5% વધારાનું ઇન્સેન્ટિવ મળશે. આ ઉપરાંત, ભારતમા જ ડિઝાઇન અને રિસર્ચ (R&D) કરતી દેશી કંપનીઓને 3% સુધીનો વધારાનો લાભ આપવામાં આવશે.

સરકાર હવે માત્ર બહારથી ‘Made in India’ ટેગ જ નથી ઇચ્છતી, પરંતુ ફોનની અંદરના સ્પેરપાર્ટ્સ પણ દેશમાં જ બને તેના પર ભાર મૂકી રહી છે. ડિસ્પ્લે, કેમેરા મોડ્યુલ, બેટરી સેલ, બેક કવર, ચેસિસ અને ટાઇપ-સી કેબલ કે ચાર્જર જેવા સ્પેરપાર્ટ્સ ભારતમાં બનાવવા બદલ કંપનીઓને વિશેષ પ્રોત્સાહન અપાશે. આ માટે કંપનીઓએ પોતાના ફોનમાં ઓછામાં ઓછા 25% દેશી પાર્ટ્સનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે.

સરકારી આંકડા અનુસાર, 2014થી 2026 દરમિયાન ભારતમાં મોબાઇલ ઉત્પાદનમાં 33 ગણો વધારો નોંધાયો છે, જ્યારે નિકાસમાં આશરે 166 ગણો ઉછાળો આવ્યો છે. આજે ભારત વિશ્વમાં મોબાઇલ બનાવતો બીજા ક્રમનો સૌથી મોટો દેશ બની ગયો છે અને દેશમાં વપરાતા 99.2% મોબાઇલ ફોન ભારતમાં જ નિર્માણ પામે છે. નવી સ્કીમ દ્વારા ભારત હવે માત્ર એસેમ્બલી સેન્ટર ન બની રહેતા સપ્લાય ચેઇન અને ટેકનોલોજીનું મુખ્ય કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

સરકારના અંદાજ મુજબ, MPMS સ્કીમથી પાંચ વર્ષમાં મોબાઇલ ઉત્પાદન રૂ. 39 લાખ કરોડ સુધી પહોંચી શકે છે અને મોબાઇલ એક્સપોર્ટ આશરે રૂ. 15 લાખ કરોડ થવાની શક્યતા છે. આ સાથે જ આ સેક્ટરમાં આશરે 60,000 પ્રત્યક્ષ (Direct) નવી રોજગારીની તકો ઊભી થશે. આ નિર્ણય દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે લીડર બનવા માટે પૂરી રીતે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...