દિવાળીના તહેવારે વેચાણ કેન્દ્રો તો ઊભાં થયાં, પરંતુ ગ્રાહકોનો પ્રતિસાદ નબળો

દિવાળીના તહેવારે વેચાણ કેન્દ્રો તો ઊભાં થયાં, પરંતુ ગ્રાહકોનો પ્રતિસાદ નબળો

દિવાળીના તહેવારને અનુલક્ષીને જામનગરના બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. કપડાં, મીઠાઈ, ફરસાણ, મુખવાસ સહિતની વિવિધ ચીજવસ્તુઓના વેચાણ વચ્ચે વર્ષોથી દિવાળીના પર્વ સાથે સંકળાયેલી પરંપરાગત સામગ્રી જેવી કે પંચાંગ, કેલેન્ડર, રોજમેળ, તારીખિયા અને રોજનીશીના વેચાણ માટે પણ કેટલાક સ્થળોએ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જોકે, કોમ્પ્યુટર અને આધુનિક ટેક્નોલોજીના યુગમાં આ પરંપરાગત સામગ્રીની લોકપ્રિયતા અને માંગમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

જામનગરના ચાંદી બજાર રોડ, સેન્ટ્રલ બેંક રોડ, ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં તેમજ વિવિધ બુક સ્ટોલ પર દિવાળીના તહેવાર નિમિત્તે પંચાંગ, તિથિ-તોરણવાળાં કેલેન્ડર, રોજમેળ, તારીખિયા અને રોજનીશી જેવી સામગ્રીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. એક સમયે દિવાળીના પર્વે ઘેરઘેર નવા વર્ષના પંચાંગ અને કેલેન્ડર ખરીદવાની પરંપરા હતી. વેપારીઓ અને વ્યવસાયિકો માટે રોજમેળ તથા રોજનીશી પણ મહત્ત્વની સામગ્રી ગણાતી હતી.

જોકે, હાલ મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અને ડિજિટલ કેલેન્ડરના વધતા ઉપયોગને કારણે તારીખ, તિથિ, વાર, રજા અને ધાર્મિક પ્રસંગોની માહિતી સહેલાઈથી ઉપલબ્ધ બની રહી છે. બીજી તરફ અંગ્રેજી મહિના પ્રમાણેના કેલેન્ડરનો વપરાશ પણ વધ્યો હોવાથી દિવાળીના સમયે ખાસ વેચાતા તિથિ-તોરણવાળાં પરંપરાગત કેલેન્ડર અને પંચાંગની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

દિવાળીના અન્ય બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સરખામણીએ પંચાંગ, કેલેન્ડર અને રોજનીશી વેચાણ કેન્દ્રો પર ગ્રાહકોનો પ્રતિસાદ પ્રમાણમાં નબળો હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. તેમ છતાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખવા કેટલાક વેપારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ વેચાણ કેન્દ્રો ઉભાં કરવામાં આવ્યાં છે. આધુનિક યુગમાં પરંપરાગત પંચાંગ અને કેલેન્ડરની ઉપયોગિતા ધીમે ધીમે ઘટતી હોવા છતાં આ સામગ્રી હજુ પણ જૂની પેઢી અને પરંપરાના ચાહકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...