ભાજપના કોર્પોરેટરના ઈશારે ડિમોલિશન અટકાવાયાનો રહીશોનો આક્ષેપ

ભાજપના કોર્પોરેટરના ઈશારે ડિમોલિશન અટકાવાયાનો રહીશોનો આક્ષેપ

સુરતના પુણાગામ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીને એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. બીજી તરફ રસ્તાની વચ્ચોવચ આવેલા વીજ થાંભલાઓ પણ યથાવત્ રહેતાં સ્થાનિક રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અધૂરા ડિમોલિશનને કારણે રસ્તાનું કામ અટકી પડ્યું હોવાનો અને આગળની સોસાયટીમાં રહેતા ભાજપના કોર્પોરેટરના ઈશારે રાજકીય દબાણ હેઠળ કામગીરી અટકાવી દેવામાં આવી હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. તંત્રની આ ઢીલી કામગીરી સામે આજે રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

અધૂરું ડિમોલિશન પૂર્ણ કરી રસ્તામાં નડતરરૂપ વીજ થાંભલા હટાવી વહેલી તકે પાકો રોડ બનાવવાની માંગ સાથે રહીશોએ ‘રોડ આપો… રોડ આપો…’ના નારા લગાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. દિવાળી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકાના વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા પાલિકાની કામગીરી સામે આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો. પુણા વિસ્તારમાં આવેલી દીપમાલા સોસાયટી, નંદનવન સોસાયટી તથા ઓમકાર સોસાયટી વિભાગ-1 અને 2ના રહીશો દ્વારા પુણાગામ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા. હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર ઉતરેલા રહીશોએ પાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી અધૂરાં કામો વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરી હતી. આ વિરોધમાં કોંગ્રેસના સ્થાનિક પુર્વ કોર્પોરેટર અને નેતા જોડાયા હતા.

રહીશોના જણાવ્યા મુજબ, એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં વહીવટી તંત્ર દ્વારા રસ્તાના કામ માટે મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે, ડિમોલિશન બાદ રસ્તો બનાવવાની કામગીરી આગળ વધી શકી નથી. રસ્તાની વચ્ચે આવેલા વીજ કંપનીના થાંભલાઓ પણ હટાવવામાં આવ્યા નથી. પરિણામે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રસ્તાની વચ્ચે આવેલા થાંભલાઓને કારણે અકસ્માત થવાની ભીતિ પણ રહે છે. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, આગળ આવેલી ગીતાનગર સોસાયટી વિભાગ-2માં ભાજપના કોર્પોરેટર રહેતા હોવાથી તેમના ઈશારે રાજકીય દબાણ હેઠળ ત્યાંનું ડિમોલિશન જાણીજોઈને અટકાવી દેવામાં આવ્યું છે. એક તરફ સામાન્ય રહીશોની મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું, પરંતુ બીજી તરફ બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન ‘અધૂરું ડિમોલિશન પૂર્ણ કરો’, ‘ભ્રષ્ટાચાર બંધ કરો, અધૂરાં કામ પૂરાં કરો’ અને ‘જનતાનો એક જ અવાજ, રોડ આપો… રોડ આપો…’ જેવા સૂત્રો સાથે રહીશોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અધૂરું ડિમોલિશન પૂર્ણ કરી વીજ થાંભલા ખસેડવામાં આવે અને તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...