આરાધ્યા બચ્ચન કેસમાં દિલ્હી હાઇકોર્ટે ઉઠાવ્યા 3 કાનૂની મુદ્દા

આરાધ્યા બચ્ચન કેસમાં દિલ્હી હાઇકોર્ટે ઉઠાવ્યા 3 કાનૂની મુદ્દા

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી તેમજ બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની 14 વર્ષીય પૌત્રી આરાધ્યા બચ્ચન વિશે યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવા અને નિધનની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી. આ ફેક ન્યૂઝ અને પરિવારના નામના દુરુપયોગ સામે તેના પિતા અભિષેક બચ્ચને 2023માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરાધ્યાના ‘પર્સનાલિટી રાઈટ્સ’ અને પ્રાઈવસીના રક્ષણની માંગ કરી હતી, જેના પર કોર્ટે અગાઉ સ્ટે આપ્યો હતો. હાલમાં આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફેક ન્યૂઝ, ‘બચ્ચન’ સરનેમ સાથે જોડાયેલી પ્રતિષ્ઠા ટ્રેડમાર્કની જેમ આગામી પેઢીઓને કાનૂની રક્ષણ આપે કે નહીં અને તેને બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) હેઠળ આવરી શકાય કે કેમ તે અંગે મહત્ત્વના કાનૂની પ્રશ્નો ઉઠાવ્યા છે. આ મામલે દિલ્હી હાઇકોર્ટમાં આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ યોજાશે.

સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ અનૂપ જયરામ ભંભીણીની બેન્ચે આ મામલે કેટલીક મહત્ત્વની વિગતો અને કાનૂની પાસાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, શું કોઈ પ્રખ્યાત પરિવારની સરનેમ સાથે જોડાયેલી પ્રતિષ્ઠાને ‘ટ્રેડમાર્ક’ જેવી ગણી શકાય? અને જો એમ હોય, તો તે પ્રતિષ્ઠા પેઢી દર પેઢી કેટલી હદ સુધી આગળ વધી શકે? કોર્ટે આ મામલે મુખ્ય 3 કાનૂની મુદ્દાઓ વિચારણા હેઠળ રાખ્યા છે:

1) શું બચ્ચન પરિવારના નામે કમાયેલી પ્રતિષ્ઠા એક ‘ટ્રેડમાર્ક’ જેવી ગણાય? અને જો હા, તો તે આવનારી પેઢીઓને (જેમ કે આરાધ્યાને) આપોઆપ કાનૂની સુરક્ષા આપી શકે?

2) શું અત્યંત વાંધાજનક કે ભ્રામક ‘ફેક ન્યૂઝ’ એ બૌદ્ધિક સંપદા અધિકારો (Intellectual Property Rights)નું ઉલ્લંઘન ગણાય?

3) શું માનહાનિ અથવા પ્રતિષ્ઠાને પહોંચતા નુકસાનને બૌદ્ધિક સંપદા અધિકારોના કાનૂની માળખા હેઠળ આવરી શકાય?

સુનાવણી દરમિયાન બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘આજકાલ પર્સનાલિટી રાઇટ્સનો ખ્યાલ ઘણો વ્યાપક બની રહ્યો છે અને દરેક બાબતને તેમાં સાંકળવામાં આવી રહી છે.’ બીજી તરફ, આરાધ્યા તરફથી રજૂ થયેલા એડવોકેટ પ્રવીણ આનંદે દલીલ કરી હતી કે આ મુદ્દો માત્ર એક સગીર બાળકીની વ્યક્તિગત પ્રતિષ્ઠા પૂરતો મર્યાદિત નથી. યુટ્યુબ વીડિયોમાં આરાધ્યાના નિધન કે ગંભીર બીમારીની અફવાઓ ફેલાવવા માટે બચ્ચન પરિવારના ફોટો અને ‘બચ્ચન’ સરનેમનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર પરિવારની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2023માં આરાધ્યા બચ્ચને તેના પિતા અભિષેક બચ્ચન મારફતે અજાણી યુટ્યુબ ચેનલો સામે આ અરજી કરી હતી. તે સમયે હાઇકોર્ટે આરાધ્યાના પક્ષમાં વચગાળાનો સ્ટે ઓર્ડર આપીને આવી યુટ્યુબ ચેનલો પર કોન્ટેન્ટ પોસ્ટ કરવા પર રોક લગાવી હતી અને ઇન્ટરનેટ પ્લેટફોર્મ્સ પરથી તે કોન્ટેન્ટ હટાવવાનો આદેશ આપ્યો હતો. તે સમયે જસ્ટિસ સી. હરિશંકરે અવલોકન કર્યું હતું કે, ‘દરેક બાળક સન્માન અને આદરને પાત્ર છે, પછી તે સેલિબ્રિટીનું સંતાન હોય કે સામાન્ય નાગરિકનું. બાળકના શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય વિશે ભ્રામક અફવાઓ ફેલાવવી એ કાયદાની દ્રષ્ટિએ બિલકુલ ચલાવી લેવાય નહીં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...