મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, પોલાર્ડને બનાવ્યા હેડ કોચ

મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, પોલાર્ડને બનાવ્યા હેડ કોચ

પાંચ વખતની આઈપીએલ (IPL) ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સે શનિવારે પોતાના નવા હેડ કોચના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ટીમે પોતાના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર અને લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા કેઇરોન પોલાર્ડને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તાજેતરમાં જ મુંબઈ ઇન્ડિયન્સે પોતાના પૂર્વ મુખ્ય કોચ મહેલા જયવર્ધને સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો, જેના કારણે હેડ કોચનું પદ ખાલી પડ્યું હતું. પોલાર્ડ આ પહેલા ટીમમાં બેટિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા હતા, પરંતુ હવે આગામી આઈપીએલ સિઝનમાં તેઓ મુખ્ય કોચ તરીકે ટીમનું માર્ગદર્શન કરતા જોવા મળશે.

કેઇરોન પોલાર્ડ અને મુંબઈ ઇન્ડિયન્સનો સંબંધ છેલ્લા 16 વર્ષ જેટલો જૂનો અને મજબૂત રહ્યો છે. ફ્રેન્ચાઇઝીએ પોતાના નિવેદનમાં આ પ્રમોશન અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોલાર્ડની ખેલાડીથી લઈને હેડ કોચ સુધીની આ સફર ક્રિકેટ જગતમાં એક અદ્ભુત ઉદાહરણ છે. ટીમની માલિક નીતા અંબાણીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોલાર્ડ માત્ર 22 વર્ષની યુવાન વયે મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા હતા અને આ 16 વર્ષોમાં તેઓ ટીમનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે. ખેલાડી તરીકે તેમણે મુંબઈ ઇન્ડિયન્સને કેટલીય યાદગાર મેચો અને શ્રેણીબદ્ધ ખિતાબો જીતાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે.

મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ બનવા પર કેઇરોન પોલાર્ડ પોતે પણ અત્યંત ઉત્સાહિત અને ખુશ જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચ તરીકેની પદવી સંભાળવી તેમના માટે ખૂબ જ ગૌરવની વાત છે. મુંબઈ ઇન્ડિયન્સ તેમના જીવન અને ક્રિકેટ કારકિર્દીનો એક ખાસ ભાગ રહી છે. પોલાર્ડ ઉમેર્યું કે આ ટીમ, સાથી ખેલાડીઓ અને વિશ્વભરમાં ફેલાયેલા કરોડો ચાહકો સાથે તેમનો જે ઊંડો લગાવ અને સંબંધ છે તે તેમના માટે ખૂબ જ મૂલ્યવાન છે અને તેઓ આગામી દિવસોમાં ટીમને વધુ એક સફળતાના શિખરે લઈ જવા માટે આતુર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...