ઇન્ડોનેશિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 7.7 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના આ આંચકા બાદ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તુરંત જ સુનામીની ચેતવણી (Tsunami Alert) જાહેર કરવામાં આવી છે. ભૂકંપ બાદ પણ ધરા ધ્રૂજવાનો સિલસિલો યથાવત રહ્યો હતો અને સતત આફ્ટરશોક્સ નોંધાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની સુનામી ચેતવણી એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આ શક્તિશાળી ભૂકંપથી ઓસ્ટ્રેલિયાની મુખ્ય ભૂમિ, તેના ટાપુઓ કે અન્ય વિસ્તારોને સુનામીનો કોઈ જ ખતરો નથી, જેના કારણે ઓસ્ટ્રેલિયા માટે હાલ રાહતના સમાચાર છે.
ભૂકંપ સમુદ્રના ઊંડાણમાં આવ્યો હોવાથી જમીન પર તેનો કેટલો વિનાશક પ્રભાવ પડ્યો છે તે અંગેનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રાથમિક તબક્કે કોઈ જાનમાલના મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. સ્થાનિક અધિકારીઓ તમામ વિસ્તારોમાં સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ (Ring of Fire) વિસ્તારમાં સ્થિત હોવાથી અહીં અવારનવાર શક્તિશાળી ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આપદાઓ આવતી રહે છે.
