ફટાકડાઓમાં ભીષણ વિસ્ફોટ, ચાર લોકોના મોત

ફટાકડાઓમાં ભીષણ વિસ્ફોટ, ચાર લોકોના મોત

બિહારના સિવાન જિલ્લાના જામો પોલીસ સ્ટેશન વિસ્તારના આલમાપુર ગામમાં શુક્રવારે ફટાકડામાં આગ લાગવાથી એક મકાનમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મકાનનો આગળનો ભાગ ધરાશાયી થઈને રસ્તા પર જઈ પડ્યો હતો. સિવાનના પોલીસ અધિક્ષક ભારત સોનીએ ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, સાંજે પાંચ વાગ્યે અમને સૂચના મળી હતી. અમે આ મામલે FIR નોંધ કરીશું અને એ તપાસ કરવામાં આવશે કે, તેમની પાસે લાયસન્સ હતું કે નહીં. ગ્રામજનોએ જણાવ્યું કે તેમની પાસે જૂનું લાયસન્સ હતું અને તેઓ 20 વર્ષથી આ કામ કરી રહ્યા હતા.

SP એ જણાવ્યું કે ગામના સરપંચે અમને જણાવ્યું છે કે, મકાનની અંદર 7 લોકો હાજર હતા. અત્યારે ચાર મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. મેડિકલ ટીમ અહીં આવી ગઈ છે, તે બાકીના લોકોની સ્થિતિની પુષ્ટિ કરશે ત્યારબાદ જ અમે આખરી આંકડો જણાવી શકીશું. આ સાથે તેમણે કહ્યું કે, આ વખતે અમે તમામ CO અને SHOને લાયસન્સનું વેરિફિકેશન કરવા માટે કહ્યું હતું. તે નિર્દેશના અનુસંધાનમાં વેરિફિકેશન થયું અને તેમાં શું ખામીઓ રહી, જેની પણ બેદરકારી કે ખામી જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
 મળતી માહિતી મુજબ, આલમાપુર નિવાસી મોહમ્મદ અમીરુદ્દીન મિયાંના મકાનમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ફટાકડામાં આગ લાગી ગઈ. આગે મકાનમાં રાખેલા અન્ય ફટાકડાને પણ પોતાની ચપેટમાં લઈ લીધા, જેના કારણે એક પછી એક સતત વિસ્ફોટો થવા લાગ્યા.

ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લગભગ બે કલાક સુધી રહી રહીને વિસ્ફોટોના અવાજો સંભળાતા રહ્યા. વિસ્ફોટની ભયાનકતાના કારણે મૃતદેહો ક્ષત-વિક્ષત થઈ ગયા હતા અને તેમની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, મેડિકલ ટીમ અને પોલીસની તમામ ટીમ ઘટનાસ્થળે કાર્યરત છે. બચાવ કામગીરી પણ ચાલુ છે. મૃત્યુઆંક વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...