દ્વારકાના ભાણવડમાં વિશાળકાય અજગર શિયાળનો શિકાર કરી ગળી ગયો, રેસ્ક્યૂ કરી બરડા ડુંગરમાં છોડી મૂકાયો

દ્વારકાના ભાણવડમાં વિશાળકાય અજગર શિયાળનો શિકાર કરી ગળી ગયો, રેસ્ક્યૂ કરી બરડા ડુંગરમાં છોડી મૂકાયો

ભાણવડ તાલુકાના રાણપરડા ગામની એક વાડીમાં શિયાળનો શિકાર કરી ચૂકેલા વિશાળકાય અજગરનું સંવેદનશીલ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અજગરને પકડતી વખતે તેના પેટમાં રહેલું મારણ બહાર ન નીકળી જાય અને તેની કુદરતી પાચન પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ માટે અજગરને સામાન્ય રીતે સાપને લઈ જવા માટે વપરાતા કોથળામાં મૂકવાને બદલે ખુલ્લી વાનમાં બરડા ડુંગરના કુદરતી આવાસ સુધી લઈ જઈ મુક્ત કરવામાં આવ્યો હતો.

સેંકડો સરિસૃપોને બચાવી ચૂકેલા રેસ્ક્યુઅર અશોક ભટ્ટે જણાવ્યું હતું કે રાણપરડા ગામની વાડીમાં અજગર જોવા મળ્યાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતાં અજગરે શિયાળનો શિકાર કર્યો હોવાનું જણાયું હતું. આથી અજગરને સુરક્ષિત રીતે પકડીને કુદરતી આવાસમાં પહોંચાડવાનો પડકાર હતો. અજગરના પેટમાં રહેલું મારણ બહાર ન નીકળી જાય અને તેને કોઈ ઈજા ન થાય તે રીતે રેસ્ક્યુ કરવાનું જરૂરી હતું.

સામાન્ય રીતે સાપને કોથળામાં મૂકીને સ્થળાંતર કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં અજગરની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનિમલ એમ્બ્યુલન્સ વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસ્તો કાચો હોવાથી મુસાફરી દરમિયાન પણ ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. વાનને કલાકના માત્ર પાંચથી દસ કિલોમીટરની ઝડપે ચલાવવામાં આવી હતી, જેથી ધ્રુજારીથી અજગરને તકલીફ ન પડે અને તેના પેટમાં રહેલું મારણ બહાર નીકળવાની શક્યતા ઓછી રહે.

મોટા શિકારને ગળી ગયા પછી અજગરને તેને પચાવવામાં એકથી બે અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. કેટલાક સંજોગોમાં આ સમયગાળો વધુ પણ હોઈ શકે છે. શિકારનું કદ અને વજન, અજગરનું કદ, આસપાસનું તાપમાન તથા અન્ય પર્યાવરણીય પરિબળો પાચન પ્રક્રિયાને અસર કરે છે. એક સર્વેક્ષણમાં અજગરનું શરીરનું સરેરાશ તાપમાન શિકાર કરતાં પહેલાં 27.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે શિકાર ગળ્યા બાદ તે વધીને 35.5 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. મોટા શિકારને પચાવવા દરમિયાન અજગરના શરીરમાં થતા શારીરિક ફેરફારો આ અભ્યાસમાં નોંધાયા હતા.

અજગરના ખોરાક અંગેના એક અભ્યાસમાં તમિલનાડુની મોયાર નદીની ખીણમાંથી મળેલા અજગરના મળના 31 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 11 નમૂનાઓના આધારે શિકાર બનેલા પ્રાણીઓની ઓળખ કરવામાં આવી હતી. તેમાં બિસકોલી, નોળિયો, હરણ, લંગૂર, જંગલી બિલાડી અને જંગલી ભૂંડ સહિત વિવિધ સસ્તન પ્રાણીઓના શિકારના પુરાવા મળ્યા હતા. ભાણવડમાં અજગરના રેસ્ક્યુ દરમિયાન તેની સ્થિતિ અને પાચન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલી તકેદારીને કારણે તેને સુરક્ષિત રીતે બરડા ડુંગરના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...