પાછલા બારણે ખાનગીકરણ, 600 જેટલા કર્મચારીઓની આઉટસોર્સિંગ થકી ભરતી

પાછલા બારણે ખાનગીકરણ, 600 જેટલા કર્મચારીઓની આઉટસોર્સિંગ થકી ભરતી

એમ.એસ.યુનિવર્સિટીના વહીવટીતંત્રમાં આઉટસોર્સિંગની બોલબાલા જોવા મળી રહી છે.છેલ્લા બે વર્ષમાં પ્યૂનથી લઈને ક્લેરિકલ સ્ટાફ સુધી ૬૦૦ જેટલા કર્મચારીઓની ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.રાજ્ય સરકારે આઉટસોર્સિંગથી કર્મચારીઓ લેવાની સૂચના આપ્યા બાદ તત્કાલીન વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે તરત જ આઉટસોર્સિંગ નીતિ અમલમાં મૂકી હતી.કર્મચારીઓમાં વ્યાપક વિરોધ બાદ પણ આ નીતિને સત્તાધીશોએ ચાલુ રાખી છે.આ માટે બીજી વખત ટેન્ડર બહાર પાડીને આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ ઓમ એજન્સી નામના કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો છે.


કર્મચારી આલમમાં એવી ચર્ચા છે કે, માત્ર એજન્સી જ બદલાઈ છે પણ મોટાભાગના કર્મચારીઓ એના એ જ રહ્યા છે.આઉટસોર્સિંગ નીતિનો અમલ થયો ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ અગાઉ યુનિવર્સિટીના હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓ પૈકી ૫૦ ટકાને યેન કેન પ્રકારે આઉટસોર્સિંગ એજન્સીના કોન્ટ્રાકટ પર કામ કરવા સમજાવી લીધા હતા.એ પછી નિવૃત્ત થતા કર્મચારીઓની આઉટસોર્સિંગ થકી ભરતી ચાલુ રખાઈ હતી.હવે આ સંખ્યા ૬૦૦ પર પહોંચી ગઈ છે.
ઘણા જાણકારો તેને યુનિવર્સિટીના ખાનગીકરણ તરીકે પણ જોઈ રહ્યા છે.કારણકે આઉટસોર્સિંગના કર્મચારીઓની કોઈ જવાબદારી યુનિવર્સિટીની રહેતી નથી.

કર્મચારીઓની ભરતી બાદ જરુર નહીં રહેઃ રજિસ્ટ્રાર
યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનું કહેવું છે કે, સરકારે કર્મચારીઓની કાયમી ભરતી કરવા માટે મંજૂરી આપી દીધી છે.ટુંક સમયમાં ૧૨૦૦ જેટલી જગ્યાઓ માટે બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી શરુ કરવામાં આવશે.કાયમી ધોરણે ભરતી બાદ આઉટસોર્સિંગથી કર્મચારીઓની નિમણૂક કરવાની જરુર નહીં રહે.

દુકાળમાં અધિક માસ, વધુ ૨૦ કાયમી અધ્યાપકો આ વર્ષે નિવૃત્ત થયા
યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકો અને કર્મચારીઓની અછત છે અને આ વર્ષે લગભગ ૨૦ જેટલા કાયમી અધ્યાપકો અને ૧૦ જેટલા કર્મચારીઓ નિવૃત્ત થયા છે.આમ યુનિવર્સિટી માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ છે.હવે યુનિવર્સિટીમાં કાયમી ધોરણે ફરજ બજાવતા અધ્યાપકોની સંખ્યા ૩૦૦ જેટલી અને કર્મચારીઓની સંખ્યા ૨૦૦ જેટલી રહી છે.નિવૃત્ત થનારા અધ્યાપકો અને કર્મચારીઓનો સન્માન સમારોહ ૨૯ ઓકટોબરે યોજવામાં આવશે.

આઉટસોર્સિંગના કર્મચારીઓનો પગાર યુનિ.ના હંગામી કર્મચારીઓ કરતા વધારે
આઉટસોર્સિંગથી લેવાતા કર્મચારીઓને અલગ અલગ કેટેગરી પ્રમાણે ૧૬૦૦૦ થી ૨૩૦૦૦ રુપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવે છે.જ્યારે યુનિવર્સિટીમાં વર્ષોથી હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓનો પગાર ૧૬૦૦૦ રુપિયાથી લઈને ૨૦૦૦૦ રુપિયા સુધી છે.તેમાં પણ પીએફ માટે અત્યાર સુધી આ કર્મચારીઓના પગારમાંથી ૨૪ ટકા કપાત થતી હતી અને પ્રોફેશનલ ટેક્સ કપાતો હતો તે અલગ.આમ કેટલાક વિભાગોમાં એવી સ્થિતિ છે કે, આઉટસોર્સિંગ થકી નોકરી કરી રહેલા કર્મચારીઓનો પગાર વર્ષોથી હંગામી નોકરી કરતા કર્મચારીઓ કરતા વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...